Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

મારા સમાજના લોકો કદાચ નાનો-મોટો દારૂનો ધંધો કરતા જ હશેઃ અમને બધી ચિંતા હોવાથી ગાળો ખાઇને, પગે પડીને પણ દારૂ બંધ કરાવવા નીકળીએ છીએ: અલ્પેશ ઠાકોર

પાટણઃ પાટણ ખાતે ઠાકોર સેનાના આગેવાન અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પ્રથમ વાર જાહેરમાં કબુલ્યુ છે કે, અમારા સમાજના લોકો જ દારૂનો નાનો-મોટો ધંધો કરે છે.

ઠાકોર સેનાના આગેવાન અલ્પેશ ઠાકોરે આજે પાટણ ડીસા રોડ ખાતે નવા બનેલા મેડિકલ સ્ટોરનું ઉદ્ઘાટ પ્રસંગે મોટો ખુલાસો કર્યો હતો. રાજ્યમાં દારૂબંધી માટે સતત કાર્ય કરી રહેલા અલ્પેશ ઠાકોરે પ્રથમવાર જાહેરમાં એવું કબૂલ કર્યું હતું કે મારા સમાજના લોકો નાનો મોટો દારૂનો ધંધો કરતા હશે. જોકે, સાથે સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે દારૂબંધી કરાવવા માટે પણ હું જ દોડું છું.

"મારા સમાજના લોકો કદાચ નાનો મોટો દારૂનો ધંધો કરતા જ હશે, હું ના નથી કહેતો. પરંતુ આ લોકોને પકડાવવા માટે હું જ દોડું છું. હું સભાનતાપૂર્વક કહી રહ્યો છું. એમને રોકવા માટે, બંધ કરાવવા માટે એમને પકડાવવા માટે હું જ દોડું છું. અમારામાં જોવાની તાકાત નથી, એ તો કદાચ બે ચાર મહિના કે વર્ષ જેલમાં કાઢી લેશે પરંતુ તેના પરિવાર અને મારા સમાજનો વિકાસ કેવી રીતે થશે. અમને આ બધી ચિંતા હોવાને કારણે ગાળો ખાઇને, તેમના પગે પડીને પણ દારૂ બંધ કરાવવા નીકળીએ છીએ."

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભામાં રાધનપુર બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણી જીત્યા પહેલા અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં દારૂબંધ માટે એક અનોખી ઝૂંબેશ શરૂ કરી હતી. તેમણે અનેક જગ્યાએ દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરી હતી. અનેક વખત સરકારને જુદા જુદા વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવા અંગે સરકારે ચીમકી પણ આપી હતી. અલ્પેશ ઠાકોરે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સ્થાપક છે. ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના પાછળનો તેમનો ઉદેશ્ય તેમના સમાજના લોકોને દારૂની કુટેવમાંથી મુક્તિ અપાવવાનો છે.

(6:43 pm IST)