Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

રાજ્યમાં કેસમાં ચિંતાજનક વધારો

હાઇપર ટેન્શન, તમાકુના સેવનથી બ્રેન સ્ટ્રોકનું જોખમ

અમદાવાદ તા. ૧૮ : ભારતમાં ગુજરાત કાર્ડિયો-વેસ્કયુલર કોમ્પિલિકેશનની રાજધાની તરીકે ઓળખાય છે. તો હવે એકસપર્ટના મતે ગુજરાતમાં વધુ એક રોગ ચિંતાજનક રીતે વધી રહ્યો છે અને તે છે બ્રેન-સ્ટ્રોક. બ્રેન-સ્ટ્રોકથી પેરાલિસિસથી લઈને મોત થવા સુધીનું જોખમ રહેલું છે. આ બંને સ્થિતિ પાછળ જવાબદાર કારણો છે- હાઈપર ટેન્શન, હાઈપરલિપિડિમિયા (કોલેસ્ટ્રોલનું વધતું પ્રમાણ) અને તમાકુનું સેવન.

વડોદરા ઈન્સ્ટીટ્યુટ ઓફ ન્યૂરોલોજી સાયન્સિસ સાથે સંકળાયેલા ન્યૂરોલોજિસ્ટ ડો. આનંદ વૈષ્ણવે 'સ્ટ્રોક સિનારિયો ઈન ઈન્ડિયા' ટાઈટલ હેઠળ વકતવ્ય આપ્યું. ત્રણ દિવસીય SNVICON 2018 (થર્ડ એન્યુઅલ કોંગ્રેસ ઓફ ન્યૂરો વાસ્કયુલર ઈન્ટરવેન્શન્સ એંડ સ્ટ્રોક CME)ના અંતિમ દિવસે ડો. વૈષ્ણવે કહ્યું કે, 'ગુજરાતી જનતામાં બ્રેન સ્ટ્રોક આવવાના મુખ્ય જવાબદાર કારણો હાઈપરટેન્શન, હાઈરલિપિડિમિયા અને તમાકુનું સેવન છે.'

ડો. વૈષ્ણવે માહિતી આપી કે, 'આપણા લોહીમાં હોમોસિસ્ટીન (એક પ્રકારનું એમિનો એસિડ)નું પ્રમાણ વધારે હોય છે. આ પ્રમાણ વિટામિન B12, B6 અને ફોલિક એસિડની ખામી ધરાવતા લોકોના શરીરમાં વધી જાય છે. આપણું શાકાહારી ભોજન, જમવાનું બનાવવાની રીત અને જેનેટિકસ (આનુવંશિકતા) હાઈપરહોમોસિસ્ટીનેમિયા થવાના મુખ્ય કારણો છે. હાઈપરહોમોસિસ્ટીનેમિયાના કારણે કાર્ડિયોવેસ્કયુલર અને સ્ટ્રોકની શકયતાઓ વધી જાય છે.'

ડો. વૈષ્ણવના મતે, ભારતમાં દર વર્ષે ૧૫ લાખ લોકો આઈસ્કેમિઆ (રકતક્ષીણતા) સ્ટ્રોકનો શિકાર બને છે. જેમાંથી ૧૪,૦૦૦ લોકો અથવા તો ૧ ટકાથી પણ ઓછાને થ્રોમ્બોલિસીસ (ગંઠાયેલા લોહીને છૂટું કરવાની સારવાર) મળી શકે છે. દરેક ૬માંથી એક વ્યકિતને બ્રેન સ્ટ્રોક થાય છે. પુરુષો કરતાં મહિલાઓને બ્રેન સ્ટ્રોક આવવાની શકયતા વધારે છે. માત્ર અડધી વસ્તીને જ આના લક્ષણો વિશે જાણ છે. છેલ્લા ૪ દાયકામાં ભારતમાં આ રોગમાં ૧૦૦ ટકા વધારો થયો છે.

આશરે ૪૦૦ જેટલા ડોકટર્સે આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં નેશનલ પ્રોગ્રામ ઓન પ્રિવેન્શન એંડ કંટ્રોલ ઓફ કાર્ડિયો વેસ્કયુલર ડિસીઝ (NPDCS) અને વ્યકિતને બ્રેન સ્ટ્રોક આવે તેના ૪.૫ કલાકના ગોલ્ડન પીરિયડ દરમિયાન સારવાર આપી કઈ રીતે જીવ બચાવી શકાય તે અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો. કાર્યક્રમનું આયોજન કરનારા સેક્રેટરી ડો. મુકેશ શર્માએ કહ્યું કે, 'રવિવારે ૧૫૦ જેટલા જનરલ પ્રેકિટશનર અને ઈમરજંસી મેડિકલ એકસરપર્ટને ટ્રેનિંગ સેશનમાં આમંત્રિત કરાયા હતા. બ્રેન સ્ટ્રોકના લક્ષણો તેમજ સારવાર અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો.'(૨૧.૧૪)

(11:40 am IST)