Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

લોકસભા ચૂંટણી : ગુજરાતના કયા સાંસદો થશે રિપીટ અને કોની કપાશે ટિકીટ?

મોદી લહેર પર લોકસભાની ચૂંટણી જીતેલા ૧૩ સાંસદોને આવનારી ચૂંટણીમાં હવે ઝટકો લાગી શકે છે

નવી દિલ્હી તા. ૧૮ : મોદી લહેર પર લોકસભાની ચૂંટણી જીતેલા ૧૩ સાંસદોને આવનારી ચૂંટણીમાં હવે ઝટકો લાગી શકે છે કારણ કે ૧૩ સાંસદો એવાં છે કે જેઓ ઉંમર, વિવાદ અને કામગીરીને લઇને ભાજપનાં ગ્રાફમાં ફીટ થતાં નથી. સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે ભાજપનાં વરિષ્ઠ નેતા એલ.કે અડવાણી આવનારી ચૂંટણી લગભગ નહીં લડે.

તેમનાં સ્થાને ગાંધીનગર બેઠક પરથી નવો ચહેરો ઉતારવામાં આવશે. તો કચ્છ, પાટણ, મહેસાણાનાં ઉમેદવારોને પણ બદલવામાં આવશે. કચ્છનાં સાંસદ વિનોદ ચાવડાની કામગીરી નબળી છે તો પાટણનાં સાંસદ લીલાધર વાઘેલાનાં પાર્ટી વિરોધી વલણનાં કારણે ટિકિટ કપાઇ શકે છે. તો અમદાવાદનાં સાંસદ કિરીટ સોલંકીને પણ એન્ટી ઇન્કમબન્સી નડવાનો ડર છે.

સુરેન્દ્રનગરનાં સાંસદ દેવજી ફતેપરા કેટલાક વિવાદોમાં ફસાયેલ છે. તો પોરબંદરનાં સાંસદની તબિયત સારી ન હોવાનાં કારણે નવા ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવશે. અમરેલીમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સારૂ પ્રદર્શન ન કર્યું એટલે હવે ત્યાંનાં સાંસદ નારણ કાછડિયાને પણ લગભગ રિપીટ કરવામાં નહીં આવે.

ભાવનગર, પંચમહાલ અને આણંદમાં પણ ભાજપ નવા ચહેરાને ચૂંટણી મેદાને ઉતારી શકે છે. જયારે છોટા ઉદેપુરમાં રામસિંહ રાઠવા પાર્ટી સાથે તાલમેલ ધરાવતા ન હોવાનાં કારણે તેઓની પણ ટિકિટ કપાઇ શકે છે. તો બારડોલીમાં પણ પરભુ વસાવાનાં કારણે પાર્ટી ઉમેદવાર બદલવા માગે છે.

આટલાં સાંસદોની કપાઇ  શકે છે ટિકીટ

બેઠકઃ કચ્છ

સાંસદઃ વિનોદ ચાવડા

કારણઃ કામગીરી નબળી, સ્થાનિક પ્રશ્નો અવરોધ રૂપ

બેઠકઃ પાટણ

સાંસદઃ લીલાધર વાઘેલા

કારણઃ તબિયત નાદુરસ્ત, પક્ષ વિરોધી વલણ

બેઠકઃ મહેસાણા

સાંસદઃ જયશ્રીબેન પટેલ

કારણઃ એન્ટી ઇન્કમબન્સીનો ડર, કામગીરી નબળી

બેઠકઃ ગાંધીનગર

સાંસદઃ એલ.કે.અડવાણી

કારણઃ વધુ ઉંમર, નવા ચહેરાના પ્રાધાન્ય

બેઠકઃ અમદાવાદ પશ્ચિમ

સાંસદઃ કિરીટ સોલંકી

કારણઃ એન્ટી ઇન્કમબન્સીનો ડર

બેઠકઃ સુરેન્દ્રનગર

સાંસદઃ દેવજી ફતેપરા

કારણઃ ઘણાં વિવાદોમાં ફસાયા, કામગીરી નબળી

બેઠકઃ પોરબંદર

સાંસદઃ વિઠ્ઠલ રાદડિયા

કારણઃ નાદુરસ્ત તબિયત મુખ્ય કારણ

બેઠક- અમરેલી

સાંસદ- નારણ કાછડિયા

કારણ- સ્થાનિક સંગઠન પર પકડ ગુમાવી

બેઠકઃ ભાવનગર

સાંસદઃ ભારતીબેન શિયાળ

કારણઃ નવા ઉમેદવારને મળી શકે છે પ્રાધાન્ય

બેઠકઃ આણંદ

સાંસદઃ દિલીપ પટેલ

કારણઃ નવા ઉમેદવારને મળી શકે છે મોકો

બેઠકઃ પંચમહાલ

સાંસદઃ પ્રભાતસિંહ ચૌહાણ

કારણઃ પરિવારનાં કારણે વિવાદમાં આવ્યાં

બેઠકઃ છોટા ઉદેપુર

સાંસદઃ રામસિંહ રાઠવા

કારણઃ નબળી કામગીરી, પક્ષ સાથે તાલમેલનો અભાવ

બેઠકઃ બારડોલી

સાંસદઃ પરભુ વસાવા

કારણઃ પક્ષ નવા ચહેરાને આપશે પ્રાધાન્ય

મહત્વનું છે કે આ સાથે ભાજપનાં વધુ ૬ સાંસદો એવાં પણ છે કે જેમની ઉમેદવારી પર ખતરો મંડાઇ રહ્યો છે. સુરત, નવસારી અને વલસાડનાં સાંસદોને રિપીટ કરવા કે નહીં તેનાં પર હાઇકમાન્ડ મંથન કરશે. તો વડોદરામાં પણ નવા ઉમેદવારને પ્રધાન્ય આપવામાં આવી શકે છે.

આ સાથે ખેડામાં કોંગ્રેસ મજબુત થઇ રહી છે એટલે દેવુસિંહ ચૌહાણની ટિકિટ પર પણ ખતરો મંડાઇ રહ્યો છે. પરંતુ ટિકિટ મળવાની સંભાવનાને પણ નકારી શકાય નહીં. તો ભરૂચમાં મનસુખ વસાવા પણ વિવાદનાં કારણે ચર્ચામાં રહ્યાં છે. જયારે જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને પણ એન્ટી ઇન્કમબન્સી નડી શકે છે એટલે કે આ ૬ બેઠકો પર ભાજપ મંથન કરશે.

ખુરશી જવાનો ભય

બેઠકઃ સુરત

સાંસદઃ દર્શના જરદોશ

કારણઃ ઉમેદવાર સારા, પાટીદાર આંદોલનની અસર

બેઠકઃ વલસાડ

સાંસદઃ કે.સી.પટેલ

કારણઃ નબળી કામગીરીનાં કારણે હાઇકમાન્ડ નારાજ

બેઠકઃ વડોદરા

સાંસદઃ રંજનબેન ભટ્ટ

કારણઃ પક્ષ નવા ઉમેદવારને આપશે પ્રાધાન્ય

બેઠકઃ ખેડા

સાંસદઃ દેવુસિંહ ચૌહાણ

કારણઃ કોંગ્રેસ મજબૂત બનતા એન્ટી ઇન્કમબન્સીનો ભય

બેઠકઃ ભરૂચ

સાંસદઃ મનસુખ વસાવા

કારણઃ હાઇકમાન્ડની નજરમાં પરંતુ કામગીરી નબળી

બેઠકઃ જૂનાગઢ

સાંસદઃ રાજેશ ચુડાસમા

કારણઃ એન્ટી ઇન્કમબન્સી છતાં પક્ષ આપી શકે છે મોકો

મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યાં છે. આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ તેનાં ૨૬માંથી માત્ર ૭ સાંસદોને જ રિપીટ કરાશે. હાલમાં ગુજરાતની તમામ ૨૬ લોકસભાની બેઠકો ભાજપ પાસે છે.

પરંતુ ગુજરાતમાં સમીકરણ બદલાવાનાં કારણે અને સાંસદોની કામગીરીનાં આધારે પાર્ટીનાં હાઇકમાન્ડ આ અંગે નિર્ણય લેશે પરંતુ વીટીવી પાસે આવેલી માહિતી પ્રમાણે બનાસકાંઠાનાં સાંસદ હરિભાઇ ચૌધરી રિપીટ થઇ શકે છે.

અમદાવાદ પૂર્વનાં સાંસદ અને અભિનેતા પરેશ રાવલને પણ ફરીથી લોકસભાની ટિકીટ મળી શકે છે. પરેશ રાવલની લોકપ્રિયતા ભાજપને ફાયદો પહોંચાડી શકે તેમ છે તો રાજકોટનાં સાંસદ મોહન કુંડારિયાને પણ રિપીટ કરવામાં આવી શકે છે.

મોહન કુંડારિયાનો કેન્દ્રીય તેમજ સ્થાનિક નેતાઓ સાથે સારો સંબંધ છે. તો જામનગરનાં સાંસદ પૂનમ માડમને પણ ફરીથી ભાજપ ટિકિટ આપે તેવી પુરેપૂરી સંભાવના છે.

પૂનમ માડમ સ્થાનિક ક્ષેત્રે કામગીરી કરવામાં અગ્રેસર રહ્યાં છે. તો દાહોદનાં સાંસદ જશવંત સિંહ ભાભોર તેમજ સાબરકાંઠાનાં સાંસદ દિપસિંહ રાઠોડને પણ ફરીથી સંસદ સુધી પહોંચવાનો રસ્તો લગભગ સાફ થઇ ગયો છે.

સ્થાનિક સમસ્યાઓને લઇને લડત લડવાનાં કારણે નવસારીનાં સાંસદ સી.આર પાટીલને પણ રિપીટ કરવામાં આવી શકે છે એટલે કે વર્ષ ૨૦૧૯માં આ ૭ નેતાઓ ફરીથી ચમકે તેવી સંભાવના છે.

આટલાં સાંસદો થઇ  શકે છે રિપીટ

બેઠકઃ બનાસકાંઠા

સાંસદઃ હરિભાઇ ચૌધરી

કારણઃ પ્રધાનમંત્રી મોદીની ગુડબુકમાં છે

બેઠકઃ અમદાવાદ પૂર્વ

સાંસદઃ પરેશ રાવલ

કારણઃ ભાજપનો લોકપ્રિય ચહેરો, પ્રખર વકતા

બેઠકઃ રાજકોટ

સાંસદઃ મોહન કુંડારિયા

કારણઃ સૌરાષ્ટ્ર ભાજપનો માનીતો

બેઠકઃ જામનગર

સાંસદઃ પૂનમ માડમ

કારણઃ વિસ્તારમાં પ્રભુત્વ, કામગીરી સારી

બેઠકઃ દાહોદ

સાંસદઃ જશવંતસિંહ ભાભોર

કારણઃ પ્રધાનમંત્રી મોદીની નજીકનો ચહેરો, વિસ્તારમાં સારી કામગીરી

બેઠકઃ સાબરકાંઠા

સાંસદઃ દિપસિંહ રાઠોડ

કારણઃ હાઇકમાન્ડની ગુડબુકમાં, સ્થાનિક કક્ષાએ કામગીરી સારી

બેઠકઃ નવસારી

સાંસદઃ સી.આર.પાટીલ

કારણઃ વિસ્તારમાં પ્રભુત્વ

 

(1:17 pm IST)