Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

જયેશ રાદડિયાની વિરૂદ્ધ આચારસંહિતા ભંગ કેસ

ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ થઇ

અમદાવાદ, તા.૧૭ : વિકાસનાં કામોના સમાચાર પ્રસિદ્ધ કરવા બદલ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ થઇ છે, જેને લઇ ધોરાજી-કંડોરણા પંથકમાં ભારે ચર્ચા જાગી છે. ચૂંટણી આચારસંહિતાના ભંગ બદલ ઓનલાઇન અરજીના આધારે આ ફરિયાદ નોંધાતા હવે ચૂંટણી પંચે સમગ્ર મામલાની સત્યતાની તપાસ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સામે ચૂંટણી પંચની ઓનલાઈન એપ્લિકેશન પર આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. જયેશ રાદડિયાએ ધોરાજી પંથકમાં ૪૫ કરોડના ખર્ચે તૈયાર થનાર રસ્તાની મંજુર કરાવી હોવાના સમાચાર પ્રસિદ્ધ કરાવ્યા હતાં. જે મામલે ચૂંટણી પંચની ઓનલાઈન એપ્લિકેશન પર આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. જયેશ રાદડીયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાતા ધોરાજી-કંડોરણા પંથકમા ચર્ચા જાગી છે.

ધોરાજી-જામકંડોરણા તાલુકાના ૭ ગામોમાંથી પસાર થતો ૫૦ કિલોમીટરનો રોડ ૪૫ કરોડના ખર્ચે મંજૂર કરાવ્યો છે તેવી જાહેરાત ૭ ગામોમાં સરપંચે આપી હતી. જેથી કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ ચૂંટણી પંચ સમગ્ર મામલે કાર્યવાહી કરી રહ્યું છે અને આખીય વાતની સત્યતા ચકાસવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

(9:58 pm IST)