Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

લેટર ઓફ ક્રેડિટના માધ્યમથી સુરતમાં કરોડોની લોન લઇને નાણાંની ભરપાઇ ન કરનાર નકોડા કંપનીની ૩૭પ કરોડની મિલકત જપ્ત કરાઇ

સુરતઃ અલગ અલગ 13 બેંકોમાંથી ખોટી રીતે લેટર ઓપ ક્રેડિટ (એલસી)ના માધ્યમથી રૂ. 2,107 કરોડની લોન લીધા બાદ નાણાં ભરપાઈ ન કરી છેતરપિંડી કરનારી સુરતની નકોડા કંપનીની 375 કરોડની મિલકત ઈડીએ ટાંચમાં લીધી છે. ઇડી દ્વારા આ રીતે આટલી મોટી રકમની મિલકત ટાંચમાં લેવામાં આવી હોવાનો આ પ્રથમ કિસ્સો છે.

મેસર્સ નકોડા લિમિટેડના માલિકો બાબુલાલ ગુમાનલાલ જૈન અને તેના પુત્ર દેવેન્દ્રએ સાથે મળી પુનિત રુંગટા અને સીએ જગદીશ સોમાણીની મદદથી નાણાંકીય વહીવટમાં ગોબાચારી કરી 827.98 કરોડના હવાલા પાડ્યા હતા. જેના આધારે અલગ અલગ બેંકમાંથી રૂ. 2,107 કરોડની લોન 13 બેંકમાંથી મેળવી હતી.

નકોડા કંપનીના માલિક પિતા-પુત્ર બેંકોના ડિફોલ્ટર જાહેર થઈ ગયા બાદ સીબીઆઈએ ગુનો નોંધ્યો હતો. ચાર્જશીટ પણ કરી દીધી. ત્યાર પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

ઇડીની તપાસમાં આ કંપનીની 375 કરોડની મિલકતો હોવાનું સ્પષ્ટ થતાં આખરે એ તમામ મિલકતો ઇડીએ ટાંચમાં લીધી હતી. ટાંચમાં લીધેલી મિલકતોમાં નકોડા ગ્રુપની માંડવીના કરંજ ખાતે આવેલી ફેક્ટરી, જમીન. મશીનરી, 20 ટેક્સચ્યુરાઇઝિંગ મશીનનો સમાવેશ થાય છે.

(8:19 pm IST)