Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

કોંગ્રેસના નેતાઓનો વિવાદાસ્‍પદ વાણીવિલાસ સામે આક્રોશ ઠાલવતા ભાજપના પ્રવકતા ભરત પંડ્યા

અમદાવાદ: લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે જ્યારે ચૂંટણી ગુજરાતમાં યોજાનાર છે. ત્યારે અર્જૂન મોઢવાડીયાએ લોકસભા ચૂંટણી પ્રચારને લઇને પીએમ મોદી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પીએમ મોદીએ ઇરાદા પૂર્વક ચૂંટણી પંચની ગાઇડલાઇનનો ભંગ કર્યો છે. તેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમની ધરપકડ થવી જોઇએ. જેને લઇને ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસના નેતા અર્જૂન મોઠવાડિયાને ગુજરાતના મણિશંકર ઐયર અને દિગ્વિજયસિંહ ગણાવ્યા છે. કોંગ્રેસના બંને નેતાઓના વિવાદાસ્પદ નિવેદનોનું મિશ્રણ અર્જૂનભાઇના નિવેદનમાં બેફામ વાણી વિલાસ જોવા મળે છે.

ભરત પંડ્યાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, જેમની ઇચ્છાશક્તિ, કાર્યશક્તિ અને નિર્ણયશક્તિમાં હિંમત અને એકશન હોય તેને ‘56’ની છાતી કહેવાય છે. આટલો ગુજરાતી ભાવાર્થ કોંગ્રેસ સમજી શક્તિ નથી અને બુદ્ધિ વગરના તર્ક-વિતર્ક કરીને પાણી સાથે સરખાવી પીએમ મોદી સામે કોંગ્રેસ અપમાનજનક અપશબ્દો બોલે છે. તે ગુજરાતની જનતા માટે આઘાતજનક છે.

ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓએ ગુજરાતના નરેન્દ્રભાઇ મોદી માટે અનેકવાર અપમાનજનક, અશોભનીય અપશબ્દો બોલ્યા છે. તે નિંદનીય છે અને અમે તેના સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. કોંગ્રેસ પાસે માત્ર અપશબ્દોની ડિક્શનરી છે. અને તેનો બેફામ ઉપયોગ કરે છે. કોંગ્રેસે અગાઉ પણ પીએમ મોદી માટે મોતના સોદાગરથી માંડીને ચોકીદાર ચોર છે જેવા અનેક અપમાનજનક શબ્દો વપર્યા હતા.

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આતંકવાદી મસૂદને મસૂદજી કહે છે અને દિગ્વિજયસિંહ ઓસામા બિન લાદેનને ઓસામાજી કહે છે. આમ કોંગ્રેસના નેતાઓ આતંકવાદીને જી કહીને માન સનમાનથી બોલાવે છે અને રાષ્ટ્રવાદી નેતા અને દેશના લોકપ્રિય નેતા પીએમ મોદીનું અપશબ્દો દ્વારા અપમાન કરે છે. તેના કારણે ગુજરાતની જનતામાં કોંગ્રેસ સામે આક્રોશ છે.

ભરત પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, બાટલા હાઉસમાં આતંકવાદીઓના મૃત્યુ થાય ત્યારે શ્રીમતી સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓને રાત્રે ઊંઘ નથી આવતી અને આંખમાં આસું આવી જાય છે. પરંતુ 40 જવાનોના પુલવામામાં શહીદ થયા ત્યારે તેમનાં નિવેદનોમાં સંવેદના નહીં અને દેશના સૈનિકોના પરાક્રમ પર શંકાઓ અને આરોપો પ્રગટ થયા છે.

પાકિસ્તાન પ્રેરીત આતંકવાદી મુદ્દે પાકિસ્તાન જવાબદાર છે તેમ કહીને સમગ્ર વિશ્વ ભારતની પડખે ઉભું રહ્યું છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ આતંકવાદના હુમલામાં પાકિસ્તાન જવાબદાર નથી તેવું નિવેદન આપ્યું હતું. વિશ્વ જ્યારે ભારતની પડખે ઊભું રહ્યું ત્યારે દેશના વિપક્ષ કોંગ્રેસ પાકિસ્તાનની સાથે રહ્યું તેની સામે જનતામાં આક્રોશ છે.

પીએમ મોદી સામે ચૂંટણી પંચમાં કરેલી કોંગ્રેસની ફરીયાદ સામે ભરત પંડ્યાએ કહ્યું હતું કે, કોંગ્રેસ પોતાની નિષ્ફળતા છૂપાવવા અને મીડિયામાં ચમકવા માટે ફરિયાદ કરી છે. 2008માં અમદાવાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ, અક્ષરધામ પરનો હુમલો અને મુંબઇમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 178 લોકોના મોત થયા હતા. તે તેમામ પાકિસ્તાન પ્રેરીત હતું. પરંતુ આતંકવાદી ઘટનાની સામે જે તે સમયે કેન્દ્રની કોંગ્રેસ સરકારે સહેજ પણ પ્રતિકાર કે જડબાતોડ જવાબ આપ્યો હતો.

કેન્દ્રની કોંગ્રેસ સરકાર માંયકાંગલી પૂરવાર સાબિત થઇ હતી. જ્યારે વખતે ઉરી અને પુલવામામાં બંને આતંકવાદી કૃત્યની સામે પીએમ નરેન્દ્ર મોદીએ ઇચ્છાશક્તિ અને નિર્ણયશક્તિ દ્વારા ભારતીય સૈન્યને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપીને સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇખ કરીને આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો તે માટે દેશના સૈનિકોને બિરદાવીને અને જનતાને જણાવીને મોદીજીએ લોકશાહી મુજબ જવાબદેહી-સરકાર તરીકે કામ કર્યું છે.

1971માં શ્રીમતી ઇન્દીરાજીને પણ લોકોએ બિરદાવ્યાં હતાં. તેમ પીએમ મોદીને પણ વિશ્વએ બિરદાવ્યાં છે. દેશની જનતાએ બિરદાવ્યાં છે. પરંતુ કોંગ્રેસ એર સ્ટ્રાઇકના પૂરાવા માગીને સૈનિકોનું, દેશનું અપમાન કરી રહી છે. તેનો જવાબ આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાત અને દેશની જનતા કોંગ્રેસને ભૂંડી રીતે હરાવી અને ભાજપને જીતાડશે. ગુજરાત 26 લોકસભાની ભવ્ય રીતે જીતાડીને ફરીથી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવશે તેવો વિશ્વાસ છે.

(5:25 pm IST)