News of Tuesday, 12th November 2019
અમદાવાદ, તા.૧૨ : રાજકોટના રૈયાધાર વિસ્તારમાં મોકરશી પરિવારના ૧૭૫ લોકોને આંખમાં સોજા સાથે પાણી નીકળતી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે આશ્ચર્ય સાથે ચકચાર મચી ગઇ હતી. મોકરશી પરિવારમાં દીકરાની સગાઇ પૂર્વે દાંડીયારાસનો કાર્યક્રમ હતો. જે અંતર્ગત આવેલા તમામ ૧૭૫ મહેમાનોને આંખમાં ઈન્ફેક્શન લાગ્યાનો બનાવ સામે આવ્યો હતો. પરિવારના તમામ લોકો તેમજ સગાઓએ શહેરની સિવિલ હોસ્પીટલમાં આવેલ આંખની હોસ્પિટલમાં વહેલી સવારે સારવાર કરાવવાની ફરજ પડી હતી. પરિવારના તમામ સભ્યોની આંખમાં બળતરા તેમજ લાલાશ જોવામાં મળી હતી.
જો કે, આ પ્રકારે કેમ સામૂહિક ઇન્ફેશનની ઘટના બની અને એકસાથે ૧૭૫ લોકોની આંખોમાં સોજા, લાલાશ અને પાણી નીકળવાની ઘટના બની તેને લઇને ભારે ચર્ચા ચાલી હતી અને આશ્ચર્ય સર્જાયું હતું. સ્થાનિક તંત્રએ પણ તપાસ હાથ ધરી હતી. બીજીબાજુ, સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા પરિવારના સભ્યોની સ્થિતિ વિશે આંખની હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે, મોકરશી પરિવારના ૧૭૫ લોકોને વહેલી સવારના પાંચ વાગ્યાથી લઈને સવારના નવ વાગ્યા સુધીમાં સારવાર આપવામાં આવી છે. દર્દીઓની આંખ પાણીથી સાફ કરાવીને આંખના ટીપાં નાખવામાં આવ્યા હતા તેમજ ઇન્ફેક્શન મુજબ યોગ્ય સારવાર પણ આપવામાં આવી છે. સારવાર આપ્યા બાદ ૨૪ કલાકમાં આંખ પહેલાની જેમ ફરી એક વખત સામાન્ય રીતે કાર્યરત થઇ જશે. તો બીજી તરફ ગણતરીની કલાકોમાં જ પરિવારમાં સગાઈની વિધિ હોય તેથી પરિવારજનો હાલ પરેશાન હોવાનું પણ જણાવ્યું હતું. જો કે, તમામની આંખો સાજી અને સ્વસ્થ રહેતાં પરિવારના લોકોએ ભારે રાહત અને હાશકારાનો અનુભવ કર્યો હતો.