Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

૨૯૧ કરોડના વિવિધ કામનું કરાયેલું લોકાર્પણ-ખાતમુહુર્ત

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બનાસકાંઠા પહોંચ્યા : પાલનપુરથી દાતા-અંબાજી રસ્તો ૨૦૦ કરોડના ખર્ચથી ફોર લેન બનશે : તમામ યાત્રાધામોને ચારમાર્ગથી જોડાશે

અમદાવાદ,તા. ૧૨ : નાયબ મુખ્યમંત્રી તથા નાણા-માર્ગ મકાન મંત્રી નીતિન પટેલના હસ્તે બનાસકાંઠા જિલ્લામાં ૨૯૧ કરોડના ખર્ચથી નિર્માણ થનાર રસ્તા, પુલના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત આજે કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીના હસ્તે પાલનપુરથી દાતા-અંબાજી ફોર લેન રસ્તાનું તથા દાતાથી આંબાઘાટ રસ્તાને ફોર લેન બનાવવાના કામનું અને યાત્રાધામ અંબાજી ખાતે નવિન અતિથિગૃહ બનાવવાના કામનું આજે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રામપુરા એપ્રોચ રસ્તા પર મેજરબ્રિજનું અને વિરમપુર-ઘોડાગાજી રસ્તા પરના પુલની કામગીરીનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંબાજી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિશાળ જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે અંબાજી તીર્થસ્થાન કરોડો માઈભક્તોની શ્રદ્ધા અને ભક્તિનું પવિત્ર તીર્થસ્થાન છે. અહીં લાખો માઈભક્તો ગુજરાત અને દેશભરમાંથી દર્શનાર્થે પહોંચે છે. સારા રસ્તાઓ બનવાથી યાત્રિઓને ફાયદો થશે. તેમણે કહ્યું હતું કે સારા રસ્તાઓ બનવાથી તે વિસ્તારનો ઝડપી વિકાસ કરવાની તક મળશે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વિધાનસભામાં બજેટ રજુ કર્યું ત્યારે રાજ્યના તમામ યાત્રાધામોને ચાર માર્ગીય રસ્તાઓથી સાંકળી લેવાનું નક્કી કર્યું હતું. હવે તે સાકર થઈ રહ્યું છે. નાયબ મુખ્યમંત્રીએ રાજ્યમાં ચાલતા રસ્તાઓના કામોની વિગત આપી હતી. પટેલે એમ પણ કહ્યું હતું કે તત્કાલિન મુખ્યમંત્રી અને આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદીએ શરૂ કરેલા વણથંભી વિકાસ કામોની યાત્રાને આગળ વધારવામાં આવી રહી છે. મોદીએ વિકાસ અને સુશાસન માટે સમગ્ર દેશ અને દુનિયાને આદર્શ પ્રેરણા આપી છે. પટેલે એમ પણ કહ્યું હતું કે સરકાર ગરીબો, વંચિતો, ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ સહિત તમામ લોકોના કલ્યાણ માટે સમર્પિત છે. પારદર્શક અભિગમના લીધે પ્રજા અને સરકાર વચ્ચે વિશ્વાસનો અતૂટ સેતુ બન્યો છે.

(8:59 pm IST)