Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

કોન્સ્ટેબલ ભરતીની પરિક્ષામાં ભાણા માટે પરીક્ષા આપતા મામા પકડાયા

અમદાવાદ તા. ૧૨ : બોગસ આધારકાર્ડ બનાવી ભાણાની જગ્યાએ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપવા આવેલા મામાને ઓબ્ઝર્વરે પકડી પાડ્યો હતો. દીવ-દમણ પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટે ગઇકાલે યોજાયેલી પરીક્ષામાં ઓઢવ કેન્દ્ર પર આ ઘટના બની હતી. પરીક્ષા પૂર્ણ કરીને એકિઝટ વેરિફિકેશન કરતા ઓબ્ઝર્વરને બાયોમેટ્રિક મશીનમાં ઉમેદવારની ફિંગરપ્રિન્ટ મેચ નહીં થતા શંકા ગઈ હતી અને તપાસ કરતા ભાંડો ફુટ્યો હતો. ઓઢવ પોલીસે શ્નડમી રાઈટર'ની ધરપકડ કરી આધારકાર્ડ બોગસ બનાવાનો પણ ગુનો નોંધ્યો હતો.

બોપલ મારૂતિ એપાર્ટમેન્ટમાં રહેતા તુષારભાઈ લલિતભાઈ પટેલ (ઉં.૨૯)એ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તે ટી.સી.એસ. કંપનીમાં એકિઝકયુટિવ તરીકે કામ કરે છે. આ કંપની સરકારી નોકરીઓમાં ઉમેદવારની ઓનલાઈન પરીક્ષા લેવાનું કામ કરે છે.

હાલમાં જ દીવ-દમણ પોલીસ કોન્સ્ટેબલની ઓનલાઈન પરીક્ષા ઓઢવ રિંગ રોડ સર્કલની બાજુમાં સિદ્ઘિવિનાયક કોમ્પલેકસમાં યોજાઈ હતી. જેમાં કુલ ૨૨૧ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂર્ણ કરીને ઉમેદવારો બહાર નીકળી રહ્યાં હતા. આ દરમિયાન એકિઝટ વેરિફિકેશન દરમિયાન બપોરે ત્રણ વાગ્યે એક ઉમેદવારની ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક મશીનમાં મેચ થઈ ન હતી. જેથી તપાસ કરતા તેના ખિસ્સામાંથી બે આધારકાર્ડ મળી આવ્યાં હતા. જે બન્નેમાં નામ અને નંબર સરખા હતા પરંતુ એકમાં તેનો ફોટો અને બીજામાં અન્ય એક વ્યકિતનો ફોટો હતો.

જેથી શંકાના આધારે પકડીને તેને ઓઢવ પોલીસના હવાલે કર્યો હતો. ઓઢવ પોલીસ સમક્ષ તેણે પોતાનું નામ દેવેન્દ્રસિંહ લાલસિંહ રાઠોડ (રહે. પરમદરા, અજમેર) હોવાનું જણાવ્યું હતું. આરોપી દેવેન્દ્રસિંહે કબૂલાત કરી હતી કે, બીજુ કાર્ડ ખરું છે અને તે તેના ભાણેજ ભવરસિંહ શંકરસિંહ શકતાવત (રહે. ઈટાવા ગેહુલી, રાજસ્થાન)નું છે. સ્ટાફ સિલેકશનની પરીક્ષા માટે તે તેના ભાણેજ વતી પરીક્ષા આપવા આવ્યો હતો.

પોલીસે દેવેન્દ્રસિંહની ધરપકડ કરી તેણે બોગસ આધારકાર્ડ કયાં બનાવ્યું હતું તે અંગે તપાસ શરૂ કરી છે.

(12:36 pm IST)