Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

શતરંજની ચાલમાં મુખ્ય સૂત્રધારથી સીઆઈડી બે ડગલા આગળ રહી

સુરતના અનુભવ આધારે મુદ્ત પહેલા જ બીટકોઈન્સ ભારતીય ચલણમાં આશિષ ભાટીયાએ ટ્રાન્સફર કરાવી નાખતા શૈલેષ પાલડીયા વિગેરે સ્તબ્ધ

રાજકોટ, તા. ૧૨ :. સીઆઈડી નામ સાંભળતા જ લોકોને મન જાસૂસી નવલકથામાં આવતા સીઆઈડીના પાત્રો તથા સોની ટીવી પરથી પ્રસારિત થતી સીઆઈડી સિરીયલના અટપટ્ટા ગુન્હા ઉકેલતા પાત્રોની યાદ તાજી થાય છે. બીજી તરફ અત્યાર સુધી જાણકારોના મતે જેઓ પાસે લાગવગ ન હોય કે બીજી રીતે પહોંચતા ન હોય તેવા લોકોને સજાના સ્થાન જેવા સીઆઈડીમાં મુકાતા હોય છે. જો કે ઘણા વર્ષો બાદ આશિષ ભાટીયાના વડપણ હેઠળની ટીમે આ માન્યતાનો ભાંગીને ભૂક્કો બોલાવી સીઆઈડીની આ ટીમ ખરા અર્થમાં સિરીયલો કે ફિલ્મોમાં આવતા સીઆઈડીના પાત્રો કરતા પણ ચઢીયાતી હોવાનું બીટકોઈન્સ પ્રકરણમાં ખૂંખાર અને ભેજાબાજ આરોપીઓથી બે ડગલા આગળ રહી પુરવાર કર્યુ છે.

મુખ્ય સૂત્રધારના વોલેટમાં ૧૧૯ બીટકોઈન્સ હોવાનંુ શોધી કાઢયા બાદ જેની કિંમત અંદાજે ૭ થી ૮ કરોડ થવા જાય છે તેવી રકમનું ભારતીય ચલણમાં રૂપાંતર કરી અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયામાં આ માટે ખાસ ખોલાવેલ ખાતામાં રકમ જમા કરાવી માસ્ટર સ્ટ્રોક આશિષ ભાટીયાએ માર્યો છે. આશિષ ભાટીયાને આ વિચાર સુરતમા એટીએમ લૂંટના બનાવમાં આરોપીએ લૂંટની રકમ બીટકોઈન્સમાં ટ્રાન્સફર કરાવ્યા બાદ ફરીથી જે રીતે ભારતીય ચલણમાં ટ્રાન્સફર કરાવેલ અને મુદામાલ તરીકે કબ્જે કરેલ એ વાત સારી રીતે યાદ હોવાથી આ મામલે પણ એ જ વાતનુ પુનરાવર્તન કર્યુ. જો આ બીટકોઈન્સ ભારતીય ચલણમાં બે માસમાં ટ્રાન્સફર ન થાત તો ભવિષ્યમાં આના પર પ્રતિબંધ આવવાનો હતો પરિણામે આ બધા કાયદાઓનો અભ્યાસ કરી ટેકનોસેવી સીઆઈડી વડાએ ઝડપ કરી હતી. આ રકમ મુદામાલ તરીકે કબ્જે થઈ છે.

દરમિયાન રોબોટ વસાવી કિરીટ પાલડીયા નિરાંતે ઉંઘવા ગયા પરંતુ રોબોટે લોચો મારતા મુખ્ય સૂત્રધાર ઉંઘતા ઝડપાયા અને મોટી નુકશાની ગયાનુ સીઆઈડી સૂત્રો માની રહ્યા છે. સીઆઈડી સમક્ષ ઓળખ પરેડ માટે બોલાવાયેલા ફરીયાદી શૈલેષ ભટ્ટે પોતાના અપહરણ સમયે અપહરણકર્તાઓની કાર ચલાવનાર ડ્રાઈવરને ઓળખી બતાવ્યો છે.

સીઆઈડી વડાએ એ ખાનગી બેઠકમાં એવી શું ખાત્રી આપી કે ઉચ્ચ અધિકારીઓની સાથોસાથ રાજ્ય સરકારના હૈયે ટાઢક થઈ

રાજકોટઃ એડીશ્નલ ચીફ સેક્રેટરી (હોમ) એમ.એસ. ડાગુર દ્વારા બોલાવાયેલી બેઠકમાં ડીજીપી શિવાનંદ ઝા અને સીઆઈડી વડા આશિષ ભાટીયા વચ્ચે બીટકોઈન્સ મામલે પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયા પ્રશ્ને વિસ્તૃત ચર્ચા થઈ. સૂત્રોના કથન મુજબ પૂર્વ ધારાસભ્ય વિરૂદ્ધ સીઆઈડી પાસે મજબૂત પુરાવા હોવાનું સીઆઈડી વડા આશિષ ભાટીયાએ જણાવતા ગૃહ ખાતા અને રાજ્ય સરકારના હૈયે ટાઢક થયાનું જોરશોરથી ચર્ચાય છે

નલીન કોટડીયાની હાજર થવાની ડેડલાઈન પૂર્ણઃ સીઆઈડીને તેઓ હાજર ન થાય તેમા કેમ રસ છે?

રાજકોટઃ બબ્બે સમન્સ મોકલવા છતા સીઆઈડી સમક્ષ હાજર ન થયેલા નલીનભાઈ કોટડીયાએ સીઆઈડીને ફેકસ દ્વારા જે સમય માંગેલ તેની મુદ્દત આજે પૂર્ણ થાય છે. તેઓ હાજર થશે કે સીઆઈડી હાજર થતા પહેલા ઝડપી લેશે ? તેવી રસપ્રદ ચર્ચાઓ ચાલે છે. સૂત્રોના કથન મુજબ પૂર્વ ધારાસભ્ય હાજર થવાના બદલે ભાગવાના કારણે વધુને વધુ કસુરવાન સાબિત થતા જતા હોવાથી સીઆઈડીને તે હાજર થાય તે કરતા તેની અટક કરવામાં વધુ રસ હોવાનું ચર્ચાય છે

(12:36 pm IST)