Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

લોકોને માહિતીથી વંચિત રાખવામાં ગુજરાત નંબર વન!

ગુજરાત માહિતી કમિશને ૯૮૫૪ અરજીઓ ફગાવી દીધી : દેશમાં કુલ ૪૭,૭૫૬ અરજી રિજેકટ થઇ, જેમાં ગુજરાત અગ્રેસર

ગાંધીનગર તા. ૧૨ : પારર્દિશતાનો દાવો કરતી ગુજરાત સરકાર હેઠળનું ગુજરાત માહિતી કમિશન યાને આરટીઆઈ તંત્ર અપીલ- ફરિયાદો નકારી કાઢી લોકોને માહિતીથી વંચિત રાખવામાં દેશભરમાં નંબર વન છે. 'રિપોર્ટ કાર્ડ ઓફ ઇન્ફર્મેશન કમિશન્સ ઓફ ઈન્ડિયા'ના નામે પ્રસિદ્ઘ થયેલા રિપોર્ટ મુજબ પહેલી જાન્યુઆરી-૨૦૧૬થી ૩૧ ઓકટોબર- ૨૦૧૭ સુધીના સમયગાળામાં ગુજરાતના તંત્રએ ૯,૮૫૪ અપીલો- ફરિયાદોમાં માહિતી નહીં આપીને ફગાવી દીધી છે, જે આંકડો તમામ રાજયોના તંત્રોમાં સૌથી વધુ છે.

જો કે અપીલો- ફરિયાદો નકારી કાઢવામાં કેન્દ્રીય માહિતી કમિશન તો ગુજરાતથીયે ચઢે છે. ઉપરોકત ગાળામાં દેશભરમાં કુલ ૪૭,૭૫૬ અપીલો- ફરિયાદો રિજેકટ થઈ છે, તેમાં એકલાં કેન્દ્રીય કમિશન દ્વારા જ ૨૭,૫૫૮ અપીલો- ફરિયાદો નકારી કઢાઈ છે અને એ પછી રાજયોના તંત્રોમાં ગુજરાતનો નંબર રિજેકશનમાં પહેલો આવે છે. ગુજરાતમાં ઉપરોકત ગાળામાં માહિતી માગતી કુલ ૧૫,૦૭૧ અરજીઓ નોંધાઈ હતી અને અગાઉની પેન્ડિંગ અરજીઓ સાથે કુલ ૧૮,૦૦૧ અરજીઓ નિકાલ કરાઈ હતી.

રિપોર્ટ પ્રમાણે ૩૧ ઓકટોબર, ૨૦૧૭ની સ્થિતિએ દેશમાં કુલ ૧,૯૯,૧૮૬ અપીલો- ફરિયાદો માહિતી વિના પેન્ડિંગ રહી હતી, જેમાં સૌથી વધુ ૪૧,૫૬૧ પડતર કેસો ઉત્તર પ્રદેશનાં હતા. ગુજરાતમાં એ સમયે ૩,૯૪૧ અપીલો- ફરિયાદો પેન્ડિંગ હતી, જો કે લેટેસ્ટ ૩૦ એપ્રિલ, ૨૦૧૮ની સ્થિતિએ રાજયમાં ૪,૦૪૪ ફરિયાદો અપીલો પેન્ડિંગ હોવાનું જણાવાઈ રહ્યું છે.

લોકોને માહિતીથી વંચિત રાખતા સરકારી વિભાગો તથા અન્ય તંત્રોને શિક્ષા કરવામાં પણ ગુજરાતનું આરટીઆઈ તંત્ર નબળું પુરવાર થઈ રહ્યું છે. ગુજરાતના તંત્રએ ઉપરોકત સમયમાં નિરાકરણ કરેલા કેસો પૈકી માત્ર ૨ ટકા કેસોમાં જ અર્થાત્ માત્ર ૨૮૧ કેસોમાં જ માહિતી નહીં આપવા બદલ શિક્ષા કરીને રૂ. ૧૩,૯૨,૫૦૦નો દંડ કર્યો હતો. માહિતી નહીં આપતા સરકારી વિભાગોને દંડ કરવામાં કર્ણાટકનું તંત્ર નંબર વન રહ્યું હતું, જેણે ૨,૦૪૪ કેસોમાં રૂ. ૧.૬૯ કરોડનો દંડ લગાવ્યો હતો.

(11:35 am IST)