Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

મેયર સહિતના પદાધિકારીઓ માટે નવી કારો ખરીદવા તૈયારી

જૂની ગાડીઓ બે લાખ કિમી ફરી હોવાથી બદલાશેઃ જૂની કારો આઠ વર્ષ પહેલા ખરીદવામાં આવી હતી : તંત્ર દ્વારા નવી ગાડીને લઇ જરૂરી માહિતી એકત્ર થઇ રહી છે

અમદાવાદ,તા.૧૦: અમદાવાદ શહેરના મેયર સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા પદાધિકારીઓ માટે આગામી દિવસોમાં હવે નવી કાર ખરીદવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ માટે અમ્યુકો તંત્ર દ્વારા નવી કાર ખરીદી અંગે ભાવો, મોડલ સહિતની વિવિધ વિગતો એકત્ર થઇ રહી છે. અમ્યુકોના મેયર સહિતના પદાધિકારીઓ માટેની જૂની કારો બે લાખ કિલોમીટર જેટલી ફરી ગઇ હોઇ હવે તેને બદલવાનો સમય થઇ ગયો હોવાની માંગણી ઉઠતાં આખરે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. જૂની કારો આઠ વર્ષ પહેલા ખરીદાઇ હતી, તેથી હવે નવી કારો ખરીદવાની તજવીજ હાથ ધરાઇ છે. ગત તા. ૧૪ જૂને શહેરના પાંચમા મહિલા મેયરપદે બીજલબહેન પટેલ આરૂઢ થયાં હતાં. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે અમૂલ ભટ્ટે જવાબદારી સંભાળી હતી. શાસક ભાજપના ટોચના પાંચ હોદ્દેદાર ઉપરાંત આજે સવારે મળેલી નીચલી કમિટીઓની પ્રણાલિકા મુજબની કમિટી બેઠકમાં જે તે ચેરમેન ચૂંટાઈ આવ્યા એટલે કે વર્તમાન ૨૦૧૫થી ૨૦૨૦ની ટર્મની છેલ્લી અઢી વર્ષની મુદત માટે તથા શાસકોની વરણીની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. આની સાથે સાથે હવે આ નવા શાસકો માટે નવી ગાડી(કાર) ખરીદવાની કવાયત પણ હાથ ધરાઈ છે. ગત ઓક્ટોબર-૨૦૧૫ની મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં ભાજપનો સતત ત્રીજી ટર્મ માટે વિજય થતાં પક્ષે હેટ્રિક નોંધાવી હતી. તત્કાલીન મેયર ગૌતમ શાહની આગેવાની હેઠળ શાસક પક્ષની ટીમ દ્વારા જૂની ગાડી વપરાશમાં લેવાઈ હતી, પરંતુ હવે નવા શાસકો માટે આગામી દિવસોમાં નવી ગાડી ખરીદાય તેવી શક્યતા પ્રબળ બની છે. ટોચના હોદેદ્દારો માટે વર્ના ગાડી અને નીચલી કમિટીઓના ચેરમેન માટે સ્વિફ્ટ ડિઝાયર આઠેક વર્ષ પહેલાં વહીવટીતંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ખરીદાઈ હતી. આ સઘળી ગાડીની અંદાજે બે લાખ કિ.મી.ની વહન ક્ષમતા હોઇ તેનાથી પણ વધુ કિ.મી. સુધી ગાડી ફરી હોઈ તેની ક્ષમતા પૂરી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરિણામે કેટલાક હોદેદ્દાર દ્વારા નવી ગાડીની માગણી ઊઠતાં નવી ગાડીને લગતી માહિતી તંત્ર દ્વારા એકઠી કરાઈ રહી છે. જાણકાર સૂત્રો કહે છે, ડેપ્યુટી મેયરની ગાડી આજદિન સુધીમાં ૨,૦૨,૦૨૬ કિ.મી, શાસક પક્ષના નેતાની ગાડી ૧,૮૩,૦૫૦ કિ.મી., વિપક્ષના નેતાની ગાડી ૧,૬૯,૨૦૩ કિ.મી. તથા દંડકની ગાડી ૨,૨૬,૪૫૦ કિ.મી. ફરી ચૂકી છે, જેના કારણે નવી ગાડી ખરીદવાનાં ચક્રો ગતિમાન કરાયાં છે. જો કે, અમ્યુકો તંત્ર દ્વારા નવી કાર અંગે ભાવો, મોડલ સહિતની વિવિધ વિગતો એકત્ર કરાયા બાદ પુખ્ત વિચારણાના અંતે અંતિમ નિર્ણય લેવાશે

(10:17 pm IST)