Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ગુજરાતમાં આગામી પ દિવસ ભારે વરસાદ પડે તેવા એંધાણ

ગીરસોમનાથ, વલસાડ, નવસારી માટે ચેતવણી : ભારે વરસાદની ચેતવણીને લઇ તંત્ર દ્વારા પગલા લેવાયા

અમદાવાદ, તા. ૧૦: ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન અતિભારે વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. જેથી તંત્ર દ્વારા પણ સાવચેતીના તમામ પગલા પહેલાથી જ લેવામાં આવી ચુક્યા છે. આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દક્ષિણ્ ગુજરાત અને ખાસ કરીને વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે જેમાં અમરેલી, ગીરસોમનાથનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં વરસાદમાં બ્રેકની સ્થિતિ હોવા છતાં હવામાન વિભાગ તરફથી હળવા વરસાદી ઝાટપાની આગાહી કરવામાં આવી છે. હળવા વરસાદી ઝાપટા ગુજરાતના અન્ય ભાગોમાં પણ જારી રહી શકે છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદ થઇ શકે છે. માછીમારોને દરિયામાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે. તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. લોકોની મદદ માટે પોલીસ અને સ્થાનિકોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. સુરક્ષિત સ્થળોએ લોકોને ખસેડવામાં આવ્યા છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૩.૩ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫.૮ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના કહેવા મુજબ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ યથાવતરીતે રહી શકે છે. ગોંડલ પંથકમાં આજે જોરદાર વરસાદ થયો હતો જેથી ગોંડલના નેશનલ હાઈવે પર સ્થિત ભુનાવા, ભરુડી સહિતના ગામડાઓમાં પાણી ભરાઈ ગયા હતા. જો કે, ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી. વલસાડ, નવસારી, ગીરસોમનાથ, જુગનાઢ, કચ્છના જુદા જુદા ભાગોમાં પણ વરસાદની સંભાવના છે.

(8:15 pm IST)