Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ગુરૂકુલના આદ્ય સંસ્થાપક વિરલ વિભૂતિ સદગુરૂ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી

રથયાત્રાના પવિત્ર દિવસે ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે કોટિ કોટિ વંદન

    સદગુરૂ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ પ્રથમ ગુરૂકુલ પરંપરાની સ્થાપના કરી શિક્ષણ ક્ષેત્રે મોટી ક્રાન્તિ આણી છે.

    નાનકડા ખોબા જેવા અમરેલી જિલ્લાના તરવડા ગામમાં આ સંતનું અવતરણ થયું હતું. નાનપણથીજ તેનામાં જન્મજાત પરમહંસના લક્ષણો હતા.

    ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાના મહાન વચનસિદ્ધ સંત હતા. સદ્. બાલમુકુન્દદાસજી સ્વામી દ્વારા એેમની મુમુક્ષુતાનું પોષણ થયું હતું. તેમજ સદ્ગુરૂ પુરાણી ગોપીનાથદાસજી સ્વામી અને સદ્ગુરૂ સ્વામી નારાયણદાસજી સ્વામી જેવા પવિત્ર સંતોની હૂંફથી એ પરમહંસને પાંખો ફુટી.

    સમર્થ સંતપુરૂષોની શ્રદ્ધા પૂર્વકની સેવાથી એમના ઉપર આશિષોના અમૃત વરસ્યા. પરિણામે એમનું એકાંતિક ધર્મમય સંતજીવન ખીલી ઉઠ્યું અને ધર્મજીવનદાસજી નામ પણ સાર્થક થયું.

     ગુણાતીત પરંપરાનું સર્વોપરિ જ્ઞાન અને ઉપાસના તો એમની ગળથૂથીમાં હતા. સાથો સાથ વડતાલ સાત વરસ કરેલા શાસ્ત્રોના ગહન અભ્યાસથી એ જ્ઞાન અને ઉપાસનાએ અગાધ સાગરનુ રૂપ ધર્યું.

    ..૧૯૪૫ માં બીજા વિશ્વયુદ્ધના કટોકટીભર્યા સમયમાં જુનાગઢ રાધારમણદેવની સાનિધ્યમાં યોજાયેલ ૨૧ દિવસના યજ્ઞથી સંપ્રદાયમાં એક નવી ચેતના પ્રગટી, યજ્ઞ સમાપ્તિ બાદ પ્રભુએ સર્જેલા સંજોગોમાં હિમાલયની યાત્રા દરમ્યાન ગુરૂકુલ કરવાની પ્રેરણાએ સંપ્રદાયને સેવાની નવી ઉંચાઇઓ ઉપર લઇ જવાનો  જાણે રાજમાર્ગ મળ્યો.

    ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સમસ્ત વિશ્વના કલ્યાણ માટે મહામંત્ર સમાન અાજ્ઞા કરી છે કે પ્રવર્તનીયા સદવિદ્યા ભૂવિ યત્સુકૃત્ મહત્ ભગવાન શ્રી સ્વામિનારાયણની આ મંગળ આજ્ઞા પ્રમાણે સમસ્ત માનવજાતના કલ્યાણ માટે પ્રાચીન ભારતની ભવ્ય ધરોહર સમાન ગુરૂકુલની અર્વાચીન પરંપરા સર્જી. શ્રીજી સંકેત અનુસાર રાજકોટમાં ગુરૂકુલની સ્થાપના દ્વારા સદવિદ્યા પ્રવર્તનનો મંગળ પ્રારંભ થયો.

    ગુરૂકુલની સિદ્ધિઓથી પ્રેરાઇને અનેક ધર્માચાર્યો, સમાજસેવકો અને રાષ્ટ્રિય નેતાઓ આ સેવા કાર્ય તરફ વળ્યા. અને આજે સંપ્રદાયમાં ૧૫૦ ઉપરાંત ગુરૂકુલો સ્થપાયા છે અને હજારો બાળકો અાધુનિક શિક્ષણની સાથે સંસ્કાર પ્રાપ્ત કરી  રહ્યા છે.

    ગુરૂકુલની સદવિદ્યા પ્રવર્તન પ્રવૃતિથી વિદ્યાર્થીઓમાં શુભ સંસ્કાર સિંચાય, તેમના જીવનનું સર્વાંગી ઘડતર થાય, ચારિત્રશીલ પેઢી તૈયાર થાય, અને શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય. પણ તેઓ ત્યાંથી અટક્યા નથી

    પણ આ વિશાળ દ્રષ્ટિવાળા આ સંતે જપયજ્ઞ, બ્રહ્મસત્ર, ગંગા તટે સત્સંગ શિબિર જેવા મૌલિક કલ્યાણકારી આયોજનો કર્યા. સાથે સાથે જનહિતની સમયોચિત સેવાની અને દેશહિતની સદપ્રવૃતિ આદરી, આ રીતે સ્વામીજીએ શ્રીજી મહારાજના સર્વજીવહિતાવહ સંદેશાને ચરિતાર્થ કરવા જીવનભર ઉત્સુક રહ્યા..

    કોરા વિદ્વાનો કરતા અનુભવી બ્રહ્મનિષ્ઠ સંત શ્રેષ્ઠ છે. અને એવા હજારો બ્રહ્મનિષ્ઠો કરતા અનેક જીવોના હિત માટે કર્મયોગમાં પ્રવર્તે તે શ્રેષ્ઠ છે.

    કર્મમાં પ્રવર્તવું અને છતાં પણ નિર્બંધ રહેવું એ દુષ્કર છે. સાવધાની અને સદગુરૂઓની કૃપા ન હોય તો શુભ પ્રવૃતિઓ પણ બંધન સર્જે છે. પૂ.શાસ્ત્રીજી મહારાજનું જીવન અખંડ સેવામય હતું, છતા પણ તેઓ સંપૂર્ણ  સાવધાન અને નિર્બંધ હતા.

    આજથી ૭૦ વર્ષ પૂ્ર્વે જ્યારે એમણે શૂન્યમાંથી સર્જન કરતા હોય તેમ ગુરૂકુલના બીજ રોપ્યા ત્યારે કોઇ કલ્પના પણ નહોતી કે આ પ્રયોગ વટ વૃ્ક્ષ બની જશે.

ઘણા મહાપુરૂષો પોતે જીવનકાળમાં ઘણું મહત્વનું પ્રદાન કરતા હોય છે. પણ મોટા ભાગ્યે તેમના પછી શૂન્યાવકાશ સરજાતો હોય છે. પરંતુ આ મહાન સંતવર્યે એવું સંસ્કાર ને સેવાપૂર્ણ વાતાવરણ સર્જ્યું, એવો વેગ લગાડી દીધો, જેને લીધે તેમણે વહાવેલો સેવા પ્રવૃતિનો અને ભજન ભકિતનો પ્રવાહ એસજીવીપી ગુરૂકુલના શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી વગેરે સંતો દ્વારા અવિરત પ્રમાણે તેમના ઉચ્ચ ધ્યેય પ્રમાણે સેવા યજ્ઞ ચાલુ છે

    પોતાની હયાતિમાં બ્રહ્મસત્રો, જ્ઞાનસત્રો, સાત સાત સ્પેશ્યલ યાત્રા ટ્રેનો, વિદેશ યાત્રાઓ, મહાન વિષ્ણયાગો, જપયજ્ઞો, મેડીકલ સેવા, દુષ્કાળ-પૂર જેવા પ્રસંગોએ પીડિતો અને ગરીબોની સેવા, વગેરે સમાજ અને સત્સંગ માટેના બહુજન હિતકારી સેવા પ્રકલ્પોના પ્રેરક તરીકે આજે પણ પથદર્શક બની ગયા છે.

    પ્રસિદ્ધિ અને પ્રશંસાથી પર રહેવું એ પૂ સ્વામીજીના જીવનની આગવી વિશિષ્ટતા હતી. માેટા મોટા મહાત્માઓ ધન અને નારીનો ત્યાગ કરી શકે છે, પણ માન સન્માન અને લોકેષણા છોડી શકતા નથી.

    ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ સમર્થ સિદ્ધ સંત હોવા છતાં વ્યકિતપૂજાથી સર્વથા પર હતા.

    શિક્ષણ  અને સેવાની વિવિધ પ્રવૃતિઓ છતાં એમનું અયાચક વ્રત અજોડ અને અખંડ રહ્યું  હતું.

તેઓ કહેતા કે મારે જરૂર પડશે તો ભગવાન પાસે માગીશ પણ માણસ પાસે લાંબો હાથ કરીને માંગીશ નહીં. સર્વોપરિ ભગવાનને ખોળે બેસી ભિખારી થાઉં તો મારા ભગવાનને શરમ આવે

    તેમના માર્ગે આજે ૧૫૦ જેટલા ગુરૂકુલોમાં હજારો બાળકો સત્સંગના શુભ સંસ્કારો મેળવી રહ્યા છે. અષાઢી બીજરથયાત્રાના પવિત્ર દિવસે, ગુરૂકુલના આદ્ય સંસ્થાપક સદ્ગુગુરૂ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના ૧૧૮ મા જન્મદિન નિમિત્તે SGVP ગુરૂકુલ પરિવાર દ્વારા પૂજ્ય સ્વામીજીને કોટિ કોટિ વંદન

(1:50 pm IST)