Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

SC-STના ધોરણે જ બિન અનામત વર્ગને લાભો અપાશે

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટમાં પ્રેઝન્ટેશન બાદ રૂલ્સને મંજૂરી, બુધવારે જાહેરાતઃ છ લાખ સુધીની આવક ધરાવતા અનામતનો કોઇ લાભ ન મળતો હોય એવા વર્ગને ૨૫થી વધુ યોજનાનો લાભ મળશે

અમદાવાદ તા. ૧૦ : લોકસભાની ચૂંટણીની તૈયારીઓ રાજકીય પક્ષોએ શરૂ કરી દીધી છે એની સાથોસાથ છેલ્લા ત્રણ વર્ષથી રાજયના આર્થિક રીતે નબળાં પાટીદારોને અનામતનો લાભ આપવાની માગણી સાથે આંદોલન શરૂ કરનાર પાસના કન્વીનર હાર્દિક પટેલે નવેસરથી ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે. બીજી તરફ રાજય સરકારે માત્ર પાટીદાર સમાજ જ નહીં, પરંતુ અનામતનો લાભ ન મળતો હોય અને આર્થિક રીતે નબળાં હોય તેવા સમાજના વિવિધ વર્ગોને શૈક્ષણિક ફીથી માંડીને વ્યવસાય, ઉદ્યોગ કરવા સુધીની વિવિધ પ્રકારની સહાય આપવા માટે તખ્તો તૈયાર કર્યો છે.

બિન અનામત આર્થિક નિગમની રચના કરી દેવામાં આવી છે અને રૂ.૬૦૦ કરોડનું ફંડ નિગમને હવાલે મુકાયા પછી હવે તેના અમલ પહેલાં સહાયના ધોરણો, નિયમો નક્કી કરવાની આખરી બાબતને આગામી બુધવારે મળનારી કેબિનેટમાં મોટાભાગે મંજૂરી આપી દેવામાં આવશે. તે સાથે જ બિન અનામત વર્ગમાં આવતા અને રૂ.૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારોને ૨૫થી વધુ યોજનાઓનો લાભ મળતો થશે. આ લાભ વર્તમાન અનુસૂચિત જાતિ (એસ.સી.) અને અનુસૂચિત જનજાતિ (એસ.ટી.) સમાજને જે ધારાધોરણથી મળે છે તે જ રીતે આપવામાં આવશે.

પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા 'પાસ' અને એસપીજી, શૈક્ષણિક અને સામાજિક, ધાર્મિક સંસ્થાઓના પાટીદાર આગેવાનો સાથે ગયા વર્ષે સરકારે બેઠક યોજી હતી અને એમાં થયેલી ચર્ચાઓના આધારે રૂપાણી સરકારે બિન અનામત આયોગ અને બિન અનામત આર્થિક નિગમની રચના કરી હતી. આ ઉપરાંત પાટીદાર આંદોલન વેળાએ થયેલા પોલીસ અત્યાચારના કેસોમાં તપાસ માટે એક તપાસ પંચની રચના કરી છે. બિન અનામત આર્થિક નિગમને કાયર્િાન્વત કરવા માટેની જાહેરાત કરવા સાથે સરકારે રૂ.૬૦૦ કરોડનું ફંડ તેના માટે અલગથી ફાળવી દીધું છે. પરંતુ આ નિગમ કયા નિયમો, ધોરણોના આધારે બિન અનામત વર્ગના જરૂરમંદોને સહાય આપશે, કઇ યોજનાઓનો લાભ આપશે તેના અંગેની વિધિવત જાહેરાત હવે કરાશે. આ સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં બે વખત બેઠકો યોજાઇ ગઇ છે. હવે આગામી બુધવારે મળનારી કેબિનેટમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા એક વિસ્તૃત પ્રેઝન્ટેશન કરવામાં આવશે અને આ પ્રેઝન્ટેશન બાદ રૂલ્સને ફાઇનલ મંજૂરી અપાશે.

સમાજ કલ્યાણમંત્રી ઇશ્વરભાઇ પરમારને પુછતાં તેમણે જણાવ્યું કે, 'અમારા વિભાગે બિન અનામત વર્ગ આર્થિક નિગમ માટે કોઇ અલગથી નિયમો તૈયાર કર્યા નથી. સમાજ કલ્યાણ વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા જે ધોરણો, નિયમોથી વિવિધ ૨૫ યોજનાઓનો લાભ આપે છે એ જ રીતે હવેથી બિન અનામત આર્થિક વર્ગને લાભ આપવામાં આવશે.' એક પ્રશ્નના ઉત્ત્।રમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, હાલ સહાય માટે અનુ. જાતિ, ક્રિમીલેયર વગેરે માટે રૂ.૬ લાખની આવકનું ધોરણ છે એ જ ધોરણ સ્વીકારાયું છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ આ જ ધોરણે ફી, હોસ્ટેલ ફીમાં સહાય કરાય છે. હવે બિન અનામત આર્થિક નિગમ દ્વારા ઉચ્ચ શિક્ષણ બાદ આ વર્ગના યુવાનોને પોતાનો વ્યવસાય, રોજગાર કે ધંધો, ઉદ્યોગ કરવા માટે પણ સહાય મળશે. હાલ સરકારે આ વર્ગને આવકના સર્ટિફિકેટ માટે પણ સૂચના આપી દીધી છે. રૂ.૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવનાર બિન અનામત વર્ગના પરિવારોએ સર્ટિફિકેટ મેળવી લેવાના રહેશે.(૨૧.૧૦)

(11:24 am IST)