Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

અમદાવાદમાં ઝાડા-ઉલ્ટીના જુલાઈમાં ૨૨૯ કેસ નોંધાયા

જુલાઈ મહિનામાં મેલેરિયાના ૬૫ કેસ નોંધાયા : પાણીજન્ય અને મચ્છરજન્ય રોગને રોકવાના પ્રયાસો જારી

અમદાવાદ, તા.૯ : અમદાવાદ શહેરમાં વરસાદમાં લાંબા બ્રેકના કારણે એકબાજુ લોકો બાફના કારણે હેરાન પરેશાન થયેલા છે ત્યારે જુદા જુદા રોગના કેસોમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. જુલાઈ મહિનાની વાત કરવામાં આવે તો ચાલુ માસમાં માત્ર ૭ દિવસના ગાળામાં જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો સપાટી ઉપર આવ્યા છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો સાતમી જુલાઈ સુધી ઝાડા ઉલ્ટીના ૨૨૯ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૧૪૫ અને ટાઇફોઇડના ૧૧૪ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાતમી જુલાઈ સુધીમાં સાદા મેલેરિયાના ૬૫ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં જુલાઈ મહિના દરમિયાન સાદા મેલેરિયાના ૧૧૯૪ કેસ નોંધાયા હતા. જુલાઈ ૨૦૧૭ દરમિયાન લીધેલા ૧૦૪૮૬૬ લોહીના નમૂના સામે ૭મી જુલાઈ ૨૦૧૮ સુધીમાં ૧૯૯૩૮ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. જુલાઈ ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૨૮૬૧ સીરમ સેમ્પલ સામે ૭મી જુલાઈ ૨૦૧૮ સુધીમાં ૨૧૨ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાના અટકાયતના ભાગરુપે પાણીના મુખ્ય સ્ત્રોત અને ઘરમાંથી ચાલુ માસ દરમિયાન ૯૧૩૧ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં હાઈરિસ્ક વિસ્તારો અને કેસો નોંધાયા હોય તેવા વિસ્તારમાંથી ચાલુ માસમાં ૯૧૪ પાણીના સેમ્પલ બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા છે. ચાલુ માસમાં ૨૨૨૦૫૦ ક્લોરીન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે. મોબાઈલ મેડિકલ વાન મુકીને સ્થળ ઉપર સારવાર આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ચાલુ માસમાં બાવન અલગ અલગ ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા. જે હેઠળ ૨૬૨૦ કિલોગ્રામ અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૭ દરમિયાન હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી ૧૭૪૯ નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૭૭ નમૂના અપ્રમાણિત જાહેર થયા છે. જુન ૨૦૧૮ સુધીમાં ૧૮૭ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૮ અપ્રમાણિત જ્યારે ૧૦૫ નમૂના પ્રમાણિત જાહેર થયા છે. સાતમી જુલાઈ ૨૦૧૮ સુધીમાં બાવન અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવી ચુક્યા છે. જે પૈકી તમામ નમૂના તપાસવાના બાકી છે.

 

 

રોગચાળાનું ચિત્ર.....

­અમદાવાદ, તા.૯ : અમદાવાદ શહેરમાં રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેના લીધે કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ કેસોની સંખ્યા અટકી રહી નથી. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ નીચે મુજબ છે.

મચ્છરજન્ય કેસો

વિગત                 જુલાઈ ૨૦૧૭   જુલાઈ ૨૦૧૮

સાદા મેલેરીયાના કેસો ૧૧૯૪          ૬૫

ઝેરી મેલેરીયાના કેસો  ૮૫              ૦૨

ડેન્ગ્યુના કેસો          ૭૩              ૦૧

ચીકુનગુનિયા કેસો     ૧૩              ૦૦

પાણીજન્ય કેસો

ઝાડા ઉલ્ટીના કેસો    ૧૨૭૫          ૨૨૬

કમળો                 ૨૫૬            ૧૪૫

ટાઈફોઈડ             ૩૪૯            ૧૧૪

કોલેરા                ૧૪              ૦૧

આરોગ્ય વિભાગના પગલા

અમદાવાદ, તા.૯ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.

ક્લોરિન ટેસ્ટ............................................... ૯૧૩૧

બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના................ ૯૧૪

બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ............. ૨૬૨૦

ક્લોરીન ગોળીઓનું વિતરણ.................... ૨૨૨૦૫૦

જંતુનાશક દવાનો છંટકાવ....................... ૧૨૬૭૨૭

નોટિસ અપાઈ............................................... ૫૦૪

નિકાલ કરેલ ફરિયાદ..................................... ૮૭૭

મોબાઇલ કોર્ટ દ્વારા દંડ............................. ૪૪૪૦૦

વહીવટી ચાર્જ   ૩૮૧૯૫૦

(8:57 pm IST)