Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ઠાસરામાં જવેલર્સની દુકાનમાં થયેલ ચોરીની ફરિયાદ ન નોંધાતા ચકચાર

ઠાસરા: શહેરના ગોધરા બજારમાં આવેલ જ્વેલર્સની દુકાનમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવેલ બે મહિલાઓ સીફતપૂર્વક સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ભાગી ગઈ હતી. આ બનાવના પગલે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે નવાઈની વાત એ છે કે આ ઘટનાને ચોવીસ કલાક ઉપરાંતને સમય થવા છતાં ઠાસરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

 


મળેલ વિગત મુજબ ઠાસરા ખાતે ગોધરા બજારમાં જ્વેલર્સની દુકાન આવેલ છે. ગઈકાલે બે મહિલાઓ ખરીદી કરવાના બહાને જ્વેલર્સની દુકાનમાં આવ્યા હતા. જ્યાં દુકાનદાર પાસે જુદા જુદા દાગીના ખરીદવાના હોઈ જોવા માટે કઢાવ્યા હતા. ગ્રાહકના સ્વાંગમાં આવેલ ઠગ મહિલાઓએ દુકાનદારોને વાતોમાં વ્યસ્ત કરી ધ્યાન ચૂકવી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી છૂમંતર થઈ ગઈ હતી. આ ગ્રાહકના સ્વાંગમાં આવેલ મહિલા ઠગ દાગીના ચોરી ગયાની જાણ થતા દુકાનદારના હોંશ ઊડી ગયા હતા. 

આ બનાવ અંગે જ્વેલર્સના વેપારીએ તુરંત જ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે ઘટનાસ્થળે દોડી આવી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી પરંતુ આ બનાવના બીજા દિવસે પણ ઠાસરા પોલીસ મથકમાં ચોરીના બનાવની ફરિયાદ નોંધાઈ નથી. ક્રાઈમ રેટ નીચો બતાવવા પોલીસ તંત્ર દ્વારા ચોરી જેવા ગુનાઓની ફરિયાદ નોંધવા આનાકાની કરવામાં આવી હોવાની લોકોને કડવા અનુભવો થઈ રહ્યા છે ત્યારે ચોરીની ફરિયાદ નોંધ્યા વગર ઠાસરા પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી ઠગ મહિલાઓની ઓળખ તેમજ તેમને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 

(6:40 pm IST)