Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

અનામત જંગમાં હવે હાર્દિક પટેલ સાથે અલ્પેશ ઠાકોર - જીજ્ઞેશ મેવાણી જોડાશે

૨૫મી ઓગસ્ટથી અમદાવાદમાં ભુખ હડતાલ : ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત

ગઇકાલે અમદાવાદમાં હાર્દિક પટેલે શહિદ યાત્રામાં હાજરી આપી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ તા. ૯ : પાટીદાર સમાજને અનામત આપવાની માંગણી સાથે તા. ૨૫ ઓગસ્ટને પાટીદાર ક્રાંતિ દિવસથી 'પાસ'ના કન્વીનર અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ અમદાવાદમાં ભુખ હડતાલના મંડાણ કરશે.

હાર્દિક પટેલે જણાવ્યું કે, જ્યાં સુધી પાટીદાર સમાજને અનામતનો લાભ નહી મળે ત્યાં સુધી હું આમરણાંત ઉપવાસ ઉપર બેસીશ. જીવ જાય તો ભલે જાય પણ હવે અનામત અંગે સરકાર ન્યાય આપે તે અમારી મુખ્ય માંગણી છે.

ગઇકાલે અમદાવાદ ખાતે પાટીદાર સમાજ દ્વારા આયોજીત શહિદ યાત્રામાં હાર્દિક પટેલે જણાવ્યું કે, હવે આર યા પારની લડાઇ છે. અનામતની લડાઇ ચુંટણી પુરતી નથી. પરંતુ આવનારી પેઢીના ભવિષ્ય માટે છે. પાટીદાર સમાજની સાથે તમામ બિનઅનામત સમાજને પણ અનામત આંદોલનની લડાઇમાં જોડાવવા આહ્વાન કર્યું હતું.

હાર્દિક પટેલે જણાવ્યું કે, આ અનામત જંગમાં અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી સહિતના જોડાશે. આ ઉપરાંત પાટીદાર સમાજના સાંસદો, ધારાસભ્યો, અન્ય રાજ્યોના હોદ્દેદારો આમરણાંત ઉપવાસમાં જોડાઇને આ લડાઇને સમર્થન આપશે.

ગઇકાલે પાટીદારોની શહીદયાત્રાએ અમદાવાદમાં પ્રવેશ કર્યો હતો. બોપલથી શહેરમાં પ્રવેશ કર્યા બાદ શહીદયાત્રાએ વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં નિકોલ,હિરાવાડીમાં તો મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડયા હતાં. આ શહીદયાત્રામાં હાર્દિક પટેલ પણ જોડાયા હતા. અને હાર્દિક પટેલે આગામી તા.૨૫મી ઓગષ્ટથી આમરણાંત ભૂખ હડતાળ પર ઉતરવા એલાન કર્યુ છે. પાટીદારો હવે ભાજપ સરકાર સામે આરપારની લડાઇ લડવા તૈયારી કરી રહ્યાં છે.

૨૫ ઓગષ્ટથી હાર્દિક પટેલ અમદાવાદમાં જ ભૂળહડતાળ પર ઉતરશે. તેણે એવો પણ દાવો કર્યો કે,મારી આ લડાઇમાં ગુજરાતભરમાંથી રોજ હજારો યુવાનો જોડાશે. એટલું જ નહીં, મુંડન કરાવી વિરોધ પણ વ્યકત કરશે. હાર્દિક બિન અનામત સમાજને પણ આ લડાઇમાં જોડાવવા આહવાન કર્યુ છે. તેણે એવી આશા વ્યકત કરી કે, અનામતની લડાઇમાં જૂના મિત્રો જરૂરથી પરત ફરશે. આમ, ગુજરાતમાં ફરી અનામત પાર્ટ-૨ ધમધમશે.(૨૧.૧૧)

(11:54 am IST)