Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

યોગીચોક શોપીંગ સેન્ટરના ચોથા માળેથી કુદી આપઘાત

સુરત ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ : સિલ્વર બિઝનેસ હબના શોપિંગ સેન્ટરથી મોતની છલાંગ

અમદાવાદ,તા. ૭ :  સુરતના વરાછા વિસ્તારમાં યોગીચોકથી આગળ સીમાડા બાપા સીતારામ બીઆરટીએસ પાસે આવેલા શોપીંગ સેન્ટરના ૪થા માળેથી કુદીને એક યુવકે આપઘાત કરી લીધો હતો. ૨૨થી ૨૫ વર્ષના અજાણ્યા યુવકે સિલ્વર બિઝનેસ હબ શોપિંગ સેન્ટરના ચોથા માળેથી પડતુ મૂકયુ તે સમગ્ર ઘટના  સીસીટીવીમાં કેદ થઈ ગઇ હતી. સવારના સમયે હજુ સાફ સફાઈ થઈ રહી હતી અને લોકોની અવરજવર પણ ઓછી હતી તે દરમ્યાન યુવકે અગમ્ય કારણોસર કુદીને આપઘાત કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, કૂદતાં અગાઉ યુવકે ડાન્સ કર્યો હોવાના સીસીટીવી સામે આવ્યાં છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને સ્થાનિકોમાં યુવકની આત્મહત્યાને લઇ ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી.

        આ દુર્ઘટના અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અંદાજે ૨૨થી ૨૫ વર્ષની વયનો લાગતો આ યુવક તેમના શોપીંગ સેન્ટરનો નથી, આ યુવક આપઘાત કરવાના ઈરાદેથી આવીને ૪થા માળેથી કુદી ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી સાથે જ અજાણ્યા ઈસમ અંગે પોલીસે શોધખોળ હાથ ધરી હતી. મૃતદેહને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હોવાનું જાણવા મળ્યુ હતુ. સિલ્વર બિઝનેસ હબ શોપિંગ સેન્ટરના ૪થા માળેથી કુદતા અગાઉ યુવક નાચતો હોય જાણે માઈકલ જેક્શનના અંદાજમાં તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતાં. બ્રેક ડાન્સ કરતો હોય અથવા તો ડાન્સ કર્યા બાદ કેવી રીતે નીચે પડશે જમીન પર તેવી ગણતરીની એકશન કરતો સીસીટીવીમાં યુવક કેદ થયો હતો. બાદમાં ચોથા માળની ગ્રીલ પરથી નીચે કુદકો મારી ગયો હતો. પોલીસે પણ હવે સમગ્ર બનાવ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. યુવકની આત્મહત્યાને લઇ અનેક સવાલો ઉઠયા છે ત્યારે પોલીસે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

(8:38 pm IST)