Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

અમદાવાદમાં મોડી સાંજે ફરીથી ભારે વરસાદ થયો

અમદાવાદમાં સિઝનનો વરસાદ ૬૩૬ મીમી : ગાજવીજની સાથે વરસાદી ઝાપટાઓ પડવાનો દોર જારી

અમદાવાદ, તા. ૭ : અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં આજે મોડી સાંજે વરસાદ તુટી પડ્યો હતો. આ ઉપરાંત સવારના ગાળામાં પણ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં પણ હાલમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી અમદાવાદ માટે પણ તંત્ર દ્વારા કરવામાં આવી ચુકી છે. બીજી બાજુ હાલમાં અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદની ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં હજુ સુધી આ સિઝનમાં ૬૩૬.૯ મીમી સુધીનો વરસાદ નોંધાઈ ચુક્યો છે. વરસાદી માહોલ અકબંધ રહેવાના કારણે રોગચાળાના પ્રમાણમાં પણ વધારો થઇ રહ્યો છે. જુદા જુદા રોગના ખાસ કરીને સિઝનલ બિમારીઓના કેસમાં વધારો થઇ રહ્યો છે.

              અમદાવાદ શહેરમાં આજે લઘુત્તમ તાપમાન ૨૬.૬ અને મહત્તમ તાપમાન ૩૩.૭ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં હાલમાં પડેલા વરસાદના કારણે એકબાજુ ભુવા પડવાના બનાવો બન્યા છે જેથી અકસ્માત થવાનો ખતરો વધી ગયો છે. બીજી બાજુ રોડ રસ્તાઓની ખરાબ હાલતના કારણે પણ શહેરીજનો વ્યાપક ફરિયાદો કરી રહ્યા છે. જો કે તંત્ર દ્વારા પહેલાથી જ કહેવામાં આવ્યું છે કે, વરસાદની સિઝનની પૂર્ણાહૂતિ બાદ રોડ રસ્તાઓને વ્યવસ્થિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પ્રાથમિકતાના આધારે આ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, જે વિસ્તારોમાં ભુવા પડ્યા છે તે વિસ્તારમાં પણ કોર્પોરેશન દ્વારા ઝડપથી કામગીરી હાથ ધરીને કાર્યવાહી કરવામાં આવનાર છે. વરસાદી માહોલમાં અકસ્માતનો ખતરો વધી ગયો હોવાથી ચેતવણીરુપે ભુવાના સ્તર પર બોર્ડ મુકવામાં આવી રહ્યા છે. અલબત્ત શહેરના રસ્તાઓની હાલત હાલમાં સારી દેખાઈ રહી નથી.

(8:32 pm IST)