Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

અંગૂઠાછાપને પણ હવે રિક્ષા, ટેકસીનું ડ્રાઇવિંગ લાઇસન્સ મળશે

ધો.૮ પાસનો નિયમ રદઃ શૈક્ષણિક લાયકાતના પુરાવા પણ નહીં આપવા પડે

અમદાવાદ તા.૭: રિક્ષા,બસ,ટ્રક,ટ્રેલર, આયશર, ટેકસી જેવાં ટ્રાન્સપોર્ટ પ્રકારનાં વાહનો માટેનું ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા હવે શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. અભણ વ્યકિત પણ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકશે.અમદાવાદ સહિત રાજ્યભરની આરટીઓમાં હેવી વિહિકલ માટેનું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે હવે કોઇપણ પ્રકારનાં શૈક્ષણિક પુરાવા રજૂ નહીં કરવા પડે. અમદાવાદની આરટીઓમાં પણ આ નિયમ લાગુ કરી દેવાયો છે અને લાઇસન્સ માટેની સારથિ વેબસાઇટમાં પણ હવે નવા નિયમ મુજબ ફેરફાર કરી દેવાયો છે. જેના કારણે અરજદારને કોઇપણ પ્રકારના શૈક્ષણિક લાયકાતના પુરાવા આપ્યા વિના લાઇસન્સ કઢાવવાનું સરળ બનશે.

હાલમાં દેશભરમાં હેવી ડ્રાઇવરની ભારે અછત પ્રવર્તી રહી છે. જેના કારણે શૈક્ષણિક લાયકાત નાબૂદ કરીને ડ્રાઇવરોની સંખ્યા વધારવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે.રિક્ષા,બસ,ટ્રક,ટ્રેલર, આયશર,ટેકસી જેવા ટ્રાન્સપોર્ટ પ્રકારના લાઇસન્સ કઢાવવા માટે કોઇપણ અરજદાર ધોરણ આઠ સુધી અભ્યાસ કરેલો હોવો એ ફરજિયાત હતું. અરજદારે શૈક્ષણિક લાયકાતના પુરાવા આપવા પડતા હતા અને શૈક્ષણિક લાયકાતના પુરાવા તરીકે સર્ટિફિકેટ પણ આપવુ પડતું હતું ત્યાર બાદ તેના આધારે જ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકાતું હતું.

આ અંગે એઆરટીઓ એસએ મોજણીદારે જણાવ્યું હતું કે નવો નિયમ થઇ ગયો છે. તેથી હવે ઓછું ભણેલા કે સાવ નહીં ભણેલા લોકો પણ હેવી વાહનોનું લાઇસન્સ કઢાવી શકે છે.

(3:45 pm IST)