Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

૭ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઘડશે રણનીતિ

ક્રોંગેસના પ્રભારી રાજીવ સાતવ ગુજરાતમાં પ્રદેશ સંગઠનમાં ફેરફારનાં આપ્યા સંકેતો

અમદાવાદ, તા.૭: ગુજરાતની ખાલી પડેલી સાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીઓને લઈને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. જે મુદ્દે ગુજરાતના કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ હાલ ગુજરાતના પ્રવાસે છે. રાજીવ સાતવે અમદાવાદ એરપોર્ટ પર આપેલા નિવેદનમાં કોંગ્રેસ પ્રભારીએ સંગઠનમાં ફેરફારના સંકેત આપ્યા છે.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા સાત બેઠકો માટે સ્થાનિક આગેવાનો સાથે બેઠકનું આયોજન કરાયું. આ સાત બેઠકોમાં થરાદ, રાધનપુર, ખેરાલુ, અમરાઈવાડી, લુણાવાડા, મોરવાહડફ અને બાયડ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર ઉમેદવારોના નામની પસંદગીને લઈને રાજીવ સાતવ ચર્ચા કરશે.

આ બેઠકો માટે સંભવિત નામો અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસના અન્ય અગ્રણીઓ સાથે પણ બેઠક કરશે. જોકે, ગાંધીનગર સર્કિટ હાઉસ પર યોજાનાર આ બેઠક પૂર્વે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ માળખામાં આગામી દિવસોમાં થશે તેવું જણાવ્યું છે. જેના પગલે સાત વિધાનસભા બેઠકની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે તેની સાથે સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને પછી સંગઠનના વિવિધ હોદ્દાઓ પર કોણ હશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

(3:44 pm IST)