Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ગુજરાત સરકાર ટ્રાફીકના સામાન્ય નિયમો તોડવા પર દંડની રકમ હળવી કરી શકે છે

ટ્રાફીકના ગંભીર નિયમોનાં ભંગ પરના દંડને યથાવત રાખશેઃ ઉચ્ચ કક્ષાનો બેઠકોનો દોરઃ સોમવારે જાહેરનામુ બહાર પડે તેવી વકી

અમદાવાદ, તા.૭: ૧લી સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવેલા ટ્રાફિકના નિયમોની દેશભરમાં ચર્ચા છે. ગુજરાતમાં પણ આ નિયમો લાગૂ થતા પહેલા જ રાજકોટમાં શુક્રવારે વિરોધ કરાયો હતો. જયારે દંડની મસમોટી રકમથી વાહન ચાલકો પણ ફફડી ઉઠ્યા છે. ત્યારે ટ્રાફિકના નવા નિયમો મુજબ દંડની રકમ મામલે શનિવારે પણ સરકાર ચર્ચા કરશે. એવું મનાઈ રહ્યું છે કે રાજય સરકાર ટ્રાફિકના સામાન્ય નિયમો તોડવા પર દંડની રકમ હળવી કરી શકે છે, જયારે ટ્રાફિકના ગંભીર નિયમો પરના દંડને તેમ જ રાખી શકે. કેન્દ્ર સરકારે ૧લી સપ્ટેમ્બરથી ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવા મામલે વાહન ચાલકોને કરાતા દંડની કિંમતમાં ૧૦ ગણો વધારો કર્યો છે. રાજયના સરકારમાં ટોચના અધિકારીએ જણાવ્યું, અત્યાર સુધીમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે ટ્રાફિકના સામાન્ય કાયદા તોડવા પર દંડમાં થોડી છૂટછાટ આપવામાં આવશે. ટ્રાફિકના ગંભીર કાયદાઓ તોડવા જેવા કે દારૂ પીને ડ્રાઈવ કરવું, એમ્બ્યુલન્સને રસ્તો ન આપવો વગેરે જેવા નિયમો તોડવા પરનો દંડની રકમમાં કોઈ રાહત નહીં મળે. શુક્રવારે સાંજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી રાજય સરકારની મીટિંગમાં ટ્રાન્સપોર્ટ, હોમ, ફાઈનાન્સ અને કાયદા વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, આ મીટિંગમાં ૩૩ પ્રકારના જુદા જુદા ટ્રાફિકના નિયમો વિશે ચર્ચા કરાઈ હતી. સરકાર નવા કાયદાઓ માટેનું નોટિફિકેશન સોમવારે જાહેર કરી શકે છે.

(11:47 am IST)