Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

પેટા ચૂંટણી : શંકરસિંહ વાઘેલા શક્તિ સેવા દળની રચના કરશે

આગામી પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ સાથે ચર્ચા : કોંગ્રેસની સાથે વાતચીત થઈ ગઈ છે અને સારા ઉમેદવાર મૂકવાની ચર્ચા પણ થઈ ગઈ : શંકરસિંહ વાઘેલાનો ધડાકો

અમદાવાદ, તા.૬ : ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન તેમજ એનસીપીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આજે સાબરકાંઠાના હિંમતનગરની એક દિવસની મુલાકાતે હતા.  આ મુલાકાત દરમ્યાન તેમણે મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યુ હતું કે, આગામી સમયમાં ભાજપ અને કોંગ્રેસ સામે એનસીપી દ્વારા આયોજિત શક્તિ સેવા દર એક શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. પેટાચૂંટણીમાં કોંગ્રેસ સાથે ચર્ચા ચાલતી હોવાનું જણાવ્યું હતું. આમ, બાપુએ ગુજરાતમાં શકિત સેવા દળ બનાવવાનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો. શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસમાં જે લોકોનો અવાજ દબાયેલો છે, કચડાયેલો છે, તેમજ જેમને ન્યાય નથી મળી શકે તેવી તમામ બાબતોને એક પ્લેટફોર્મ આપવામાં આવશે. તેમજ આગામી તા.૧૩મી સપ્ટેમ્બરે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે દસ હજારથી વધારે યુવક-યુવતીઓનું સંમેલન યોજાશે. જે થકી ગુજરાતમાં શકિત પ્રદર્શન પણ કરવામાં આવશે.

          ગુજરાતમાં ખાલી પડેલી બેઠકો પર વિધાનસભાની આગામી પેટાચૂંટણી યોજાનાર છે તેને લઇને બાપુએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સાથે વાત થઈ ગઈ છે અને સારા ઉમેદવાર મુકવાની ચર્ચા પણ કરી છે કે તમે મુકવાના હોય તો તમે મુકજો અને જો તમારો ઉમેદવાર સારો નહી હોય તો હું મુકીશ. સારું પરિણામ આવે બીજેપી સરકારના વિરોધમાં એવું મારું માનવું છે. તેમના જ પુત્રનું મહેન્દ્રસિંહનું નામ પણ બાયડ બેઠક માટે સંભળાઈ રહ્યું છે ત્યારે તે પ્રશ્નના જવાબમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, મારે કોઈ સાથે વાત થઈ નથી અને જે કંઈ નક્કી કરે તેમાં મને કોઈ વાંધો નથી. જો કે, આજે જે પ્રકારે સ્થાનિક કાર્યકરો તેમજ ટેકેદારો સહિત લોકોની ભીડ જામી હતી. તે જોતાં બાપુ આગામી સમયમાં હજુ પણ કંઈક નવું કરે તો નવાઈ નહીં.

(9:28 pm IST)