Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

વડોદરા:કોરોનાના કારણોસર સ્કૂલ વર્ધીના વાહનો ચલાવતા શહેરના 2500 જેટલા ચાલકોની હાલત કફોડી બની

વડોદરા:કોરોનાના કારણે માર્ચ મહિનાથી સ્કૂલો બંધ છે.ફરી સ્કૂલો કયારે શરુ થશે તે અંગે હાલના તબક્કે અનિશ્ચતતા છે.આ પ્રકારના સંજોગોમાં  સ્કૂલ વર્ધીના વાહનો ચલાવતા શહેરના ૨૫૦૦ જેટલા ચાલકોની હાલત કફોડી બની ગઈ છે.

શહેરની વિવિધ સ્કૂલોમાં બાળકોને લેવા મુકવા જવાનુ કામ કરનારાઓમાં ૧૫૦૦ જેટલા રીક્ષા ચાલકો અને ૧૦૦૦ જેટલા વાન ચાલકોનો સમાવેશ થાય છે.જોકે ચાર મહિનાથી સ્કૂલો બંધ હોવાથી તેમનો આવકનો એક માત્ર સ્ત્રોત પણ બંધ થઈ ગયો છે.શહેરના સ્કૂલ વર્ધી વાહન ચાલક એસોસિએશને ગયા સપ્તાહે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી હતી કે, સ્કૂલ વર્ધી વાહન ચાલકોને ૨૫૦૦૦ રુપિયા સુધીની લોન બેન્કમાંથી અપાવવા માટે તંત્ર મદદ કરે.જેથી તેઓ આ કપરા સમયમાં પોતાનુ ઘર ચલાવી શકે.

એસોસિએશનના મંત્રી વિશાલ પંડિતનુ કહેવુ છે કે, જેમણે વાહનો લોનથી લીધા છે અને અત્યાર સુધીમાં એક પણ હપ્તો ચુક્યા નથી તેવા ચાલકોને પણ બેન્કો લોન આપવાનો ઈનકાર કરી રહી છે.સ્કૂલ વર્ધીમાં રીક્ષા ચલાવનારાઓ તો મુસાફરોને રીક્ષામાં બેસાડીને થોડી ઘણી આવક મેળવી રહ્યા છે પણ વાન ચાલકો  વધારે આર્થિક ભીંંસમાં મુકાયેલા છે.કેટલાક હવે બીજાની કાર ધોવાનુ કામ કરી રહ્યા છે તો કેટલાક વાનમાં ફરીને વેફર વેચી રહ્યા છે.જેથી થોડા ઘણા પૈસા કમાઈને પણ ઘર ચાલી શકે.

(8:53 pm IST)