Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

વલસાડ જિલ્લા કક્ષાના ૭૧મા વન મહોત્‍સવની કપરાડા ખાતે ઉજવણી કરાઇ

એકલવ્‍ય મોડેલ સ્‍કૂલ ખાતે નિર્માણ થયેલા કોરોના વોરિયર્સ વનનું સહકાર મંત્રીના હસ્‍તે લોકાર્પણ

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લા કક્ષાના ૭૧મા વન મહોત્‍સવની ઉજવણીનો કાર્યક્રમ એકલવ્‍ય આદર્શ નિવાસી શાળા, કપરાડા ખાતે સહકાર, રમત-ગમત યુવા સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી ઇશ્વરસિંહ પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો. આ અવસરે મંત્રી અને મહાનુભાવોના હસ્‍તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું.હાલની કોરોના વાઇરસની પરિસ્‍થિતિમાં કોરોના વોરીયર્સ વનનું એકલવ્‍ય રેસીડેન્‍સી સ્‍કૂલના પટાંગણમાં નિર્માણ કરાયું છે, જેમાં એકલવ્‍ય રેસીડેન્‍સી શાળાના બાળકોને ઉપયોગી થાય તેવા ઔષધીય વૃક્ષો રોપવામાં આવ્‍યા છે. જેનું મંત્રીના હસ્‍તે લોકાર્પણ કરાયું હતું.

  ગ્રામવનની ઉપજમાંથી ૭પ ટકા રકમનો ચેક તરમાલીયા ગ્રામ પંચાયતના સરપંચને, આદિવાસી યોજના હેઠળ નિર્ધૂમ ચૂલા તેમજ ખાસ અંગભૂત યોજના હેઠળ આંબા કલમનું વિતરણ મંત્રીના હસ્‍તે કરાયું હતુ઼ં. સમગ્ર જિલ્લામાં દશ લાખ કરતાં વધુ વૃક્ષો વિતરણ કરવાના નિર્ધાર સાથેના વૃક્ષરથને મંત્રીના હસ્‍તે લીલીઝંડી આપી પ્રસ્‍થાન કરાવાયું હતું. આ અવસરે મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્‍યું હતું કે, કનૈયાલાલ મુન્‍શીએ વન મહોત્‍સવની શરૂઆત કરી હતી. ત્‍યારથી આજદિન સુધી દર વર્ષે વન મહોત્‍સવની ઉજવણી કરવામાં આવે છે. સામાજિક વનીકરણ ક્ષેત્રે થયેલી કામગીરીની વિગતો આપતાં જણાવ્‍યું હતું કે, વન મહોત્‍સવની ઉજવણી થકી છેલ્લા ૧૩ વર્ષમાં વૃક્ષોમાં ૩૭ ટકાનો વધારો થયો છે.

 પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્‍યમંત્રીના કાર્યકાળ દરમિયાન વિવિધ રાજ્‍યકક્ષાના મહોત્‍સવ જિલ્લા કક્ષાએ ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. જેના ભાગરૂપે વન મહોત્‍સવની પણ જિલ્લા મથકોમાં ઉજવણી કરાતાં આજે સમગ્ર રાજ્‍યમાં ૨૦ જેટલા સાંસ્‍કૃતિક વનોના નિર્માણ થયાં છે. રાજ્‍યકક્ષાનો વન મહોત્‍સવ રાજકોટથી મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે શુભારંભ કરાયો હતો. જ્‍યાં રામજન્‍મભૂમિ શિલાન્‍યાસને ધ્‍યાને રાખી રાજકોટ ખાતે નિર્માણ કરાયેલા સાંસ્‍કૃતિક વનને રામવન નામ આપવામાં આવ્‍યું છે.

  મંત્રી એ વન વિભાગના અધિકારી અને કર્મચારીઓને અભિનંદન પાઠવતાં જણાવ્‍યું હતું. કે, પ્રાકૃતિક વનસંપદાઓની જાળવીને કારણે વલસાડ જિલ્લો લીલોછમ્‍મ રહયો છે. વનોના નિર્માણ અને તેની જાળવણી માટે રાજ્‍યના વન વિભાગની કામગીરી શ્રેષ્‍ઠતમ રહી છે. કપરાડા તાલુકામાં પણ અનેકવિધ પર્યટન સ્‍થળો નિર્માણ થયાં છે, જેના થકી સ્‍થાનિક રોજગારી પણ ઉપલબ્‍ધ થશે. વૃક્ષોમાં મળતા ઓકિસજનને કારણે આપણે જીવી શકીએ છીએ. હોસ્‍પિટલમાં ઓકિસજન માટે હજારો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જે વૃક્ષો આપણને નિઃશુલ્‍ક ધોરણે આપે છે. કોરોના મહામારીમાં આયુર્વેદિક ઉકાળામાં વપરાતી ઔષધિઓ પણ વન વિસ્‍તારમાંથી મળે છે. પર્યાવરણની જાળવણી માટે જરૂરી વૃક્ષોનું પ્રમાણ જળવાઇ રહે તે માટે લગ્ન, જન્‍મદિવસ અવસરે દરેક વ્‍યક્‍તિ ઓછામાં ઓછું એક વૃક્ષનું વાવેતરણ કરી તેનું જતન કરે તે જરૂરી છે. જે આવનારી પેઢીને ઉપયોગી થશે.
  આ અવસરે સાંસદ ડૉ.કે.સી. પટેલ, ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલ તેમજ કપરાડા ના પૂર્વ ધારાસભ્‍ય જીતુભાઇ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં.સામજીક વનીકરણ, ગાંધીનગરના અધિક અગ્ર મુખ્‍ય વન સંરક્ષકશ્રી રાજકુમારે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્‍યું હતું કે, વન મહોત્‍સવ થકી લાખોની સંખ્‍યામાં વૃક્ષોના વાવેતર થકી વનવિસ્‍તારમાં વધારો થવાની સાથે પર્યાવરણની સમતુલા પણ જળવાશે. કોવિદ-૧૯ને કારણે વૃક્ષોની મહત્તા વધી છે, કારણ કે કોરોનાના દર્દીને ઓકિસજની વધુ જરૂર પડે છે, જે ધ્‍યાને રાખી વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણને સાચવવા તેમણે અનુરોધ કર્યો હતો. નાયબ વન સંરક્ષક એચ.એસ.પટેલે સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી વલસાડ જિલ્લામાં ૭૧મા વન મહોત્‍સવની ઉજવણી અવસરે જિલ્લામાં કરવામાં આવનારી કામગીરીની રૂપરેખા આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ૭૧મા વન મહોત્‍સવ અવસરે ૧૨૦૨ હેક્‍ટર જમીનમાં વાવેતર કરી ૩૪.૬૩ લાખ રોપાઓ જિલ્લાની વિવિધ નર્સરીઓમાં ઉછેર કરાયા છે.
કોરોના મહામારીને ધ્‍યાને રાખી કાર્યક્રમ સ્‍થળે ઉકાળા વિતરણ અને સેનેટાઇઝરની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિવૃત્ત નાયબ વન સંરક્ષક યાજ્ઞિકે જયારે આભારવિધિ મદદનીશ વન સંરક્ષક જે.જે.ભટ્ટે કરી હતી. એકલવ્‍ય શાળાની બાળાઓએ પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું.
આ સમારંભમાં જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, વલસાડ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલ, વલસાડ કલેકટર આર.આર.રાવલ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર,  નાયબ વન સંરક્ષક ડૉ. બી.સુચિન્‍દ્રા,  કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન કપરાડાના સરપંચ, શાળાના આચાર્ય,  ઉપસ્‍થિત રહયા હતા.

(8:44 pm IST)