Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુક્ત આવાસ મળે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ : પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૪ લાખ આવાસો ગુજરાતે પૂર્ણ કર્યા :ર૦રર સુધીમાં દરેક વ્યકિતને પોતીકું ઘર આપવાનું પ્રધાનમંત્રીશ્રીનું સપનું સાકાર થશે : વિજયભાઇ રૂપાણી

રાજ્યમાં સુવિધાસભર મકાનોના નિર્માણ થકી લાભાર્થીઓને મળ્યો છે : નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ : મહેસાણાના ઉંઝામાં ૩૬૦ આવાસોનું મુખ્યમંત્રીશ્રી દ્વારા ઇ-લોકાર્પણ : નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના ઉંઝા નગરપાલિકા દ્વારા રામનગર ખાતે નિર્માણ થયેલ ૩૬૦ આવાસોનું ગાંધીનગર  ખાતેથી ઇ લોકાર્પણ કર્યુ હતું. 

આ પ્રસંગે તેમણે જણાવ્યું કે રાજ્યમાં કોરોનાની મહામારીમાં પણ પ્રજાહિતના કામો કરવામાં આવેલ છે. 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં તમામ લોકોને ઘરનું ઘર હોય એવો સંકલ્પ જાહેર કર્યો છે તે દિશામાં નક્કર કામગીરી કરીને રાજ્ય સરકારે ૪ લાખ આવાસો પુર્ણ પણ કરી દીધા છે. 

  મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં ઘરવિહોણાને પાકું અને સુવિધાયુ્કત આવાસ મળે  તે માટે સરકાર કટિબધ્ધ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત આવા આવાસો નિર્માણ કરી જરૂરીયાતમંદ નાગરિકો માટે છતનું નિર્માણ કર્યું છે.

  તેમણે સરકારની આવાસ યોજના થકી લોકોનું ઘરનું ઘર સ્વપન પુરૂ થવા લાગ્યું છે અને સરકાર દ્વારા નિર્માણ પામેલા આવાસોમાં ગટર, પાણી, લાઇટ, રસ્તા, સફાઇ સહિત તમામ સુવિધાઓ આપવામાં આવી છે તેમ જણાવી ઘર મેળવનાર પરીવારોને શુભકામનાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે સમાજના વંચિત વર્ગો ઇકોનોમીકલી વીકર સેકશનના પરિવારોને પોતીકું આવાસ મળે અને તેમને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવી શકાય તેવી સંકલ્પના સાથે આપણે ‘‘ચલો જલાયે દિપ વહાં, જહાં અભીભી અંધેરા હૈ’ સાકાર કર્યુ છે. 

તેમણે રાજ્ય સરકારની વિવિધ ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓથી સરવાળે આવા વર્ગોના સર્વગ્રાહી ઉત્થાન અને રોટી, કપડા, મકાનની બેઝિક જરૂરિયાત સરળતાએ મળે તે જ કલ્યાણ રાજ્યનો ધ્યેય છે તેમ ઉમેર્યુ હતું. 

નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારને ધ્યાનમાં રાખીને આવાસ યોજનાઓનું નિર્માણ કરાઇ રહ્યું છે. મહેસાણા જિલ્લાના ઉંઝા ખાતે સુવિધાસભર ઘરનું ઘર ઓછી કિંમતે લાભાર્થીઓને મળી રહ્યું છે તે માટે પાલિકા દ્વારા કરેલ કામગીરી અભિનંદનને પાત્ર છે તેમ જણાવ્યું હતું

શ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું કે  વિશ્વમાં ઉંઝા શહેર વેપાર,સહકારી પ્રવૃતિ તેમજ પવિત્ર ઉમિયા માતાજી યાત્રાધામ તરીકે જાણીતું છે. ઉંઝા પાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે તમામ કામગીરી પ્રો-એક્ટીવ કરાઇ રહી છે જે માટે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને અભિનંદન આપ્યા હતા.

ઉંઝા નગરપાલિકા દ્વારા શહેરના રામનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ટીપી-૦૭ ફાઇનલ પ્લોટ નં-૨૭૦ ખાતે ૩૬૦ આવાસોનું નિર્માણ કરાયેલ છે.૧૭૪૦૮.૧૧ ચોરસ મીટરના વિસ્તારમાં રૂ ૩૦.૬૦ કરોડના ખર્ચે ૩૬૦ ઇ.ડબલ્યુ.એસ-૨ આવાસોનું નિર્માણ કરાયું છે. 

આવાસમાં બે બેડ રૂમ, એક હોલ રસોડું,શૌચાલય,બાથરૂમ ગેલેરી સહિતની સુવિધા છે. આ ઉપરાંત સંકુલમાં વીજળી, પાણી, ભુગર્ભગટરની વ્યવસ્થા, પાર્કિંગ, સ્ટ્રીટ લાઇટ, સીસીરોડ, આંગણવાડી, બગીચો, કમ્પાઉન્ડ હોલ, પમ્પ રૂમ સહિત તમામ માળખાકીય સુવિધાથી સજ્જ આવાસનું નિર્માણ કરાયું છે.

  જિલ્લા કલેકટર એચ.કે.પટેલ સ્વાગત પ્રવચન કરી સરકારની આવાસ યોજના તેમજ અન્ય યોજનાથી સૌને માહિતગાર કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીના હસ્તે યોજાયેલ ઇ-લોકાર્પણ કાર્યક્રમાં સંસદ સભ્યશ્રી શારદાબેન પટેલ, રાજ્ય સભા સંસદ સભ્યશ્રી જુગલસિંહ લોખંડવાલા,ઉંઝા ધારાસભ્ય ડો આશાબેન પટેલ જિલ્લાના અગ્રણી નિતીનભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક મહુલ દવે,નગરપાલિકા પ્રમુખ મણીલાલ પટેલ,નગરપાલિકા અધિકારી એમ.એમ ગઢવી ઉપપ્રમુખ પીનલબેન, નગરપાલિકા બાંધકામ કમિટીના ચેરમેન મનુભાઇ પટેલ,એપી.એમસી ચેરેમન દિનેશભાઇ સહિત નગરપાલિકાના સદસ્યો,અધિકારીઓ,પદાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી  કાર્યક્રમ નિહાળ્યો હતો.

(5:03 pm IST)