Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

અયોધ્યામાં રામ મંદિર બનાવવાથી લોકોના જીવ નહિં બચે, ગુજરાતનું તંત્ર રામભરોસે : બાપુ

મુખ્યમંત્રી અને રાજયપાલના આદેશ છતાં ફાયરના કર્મચારીઓની ભરતી કરવામાં આવી નથી, તો પછી કહેવુ કોને કહેવું? : જવાબદારો સામે ૩૦૨ની કલમ ઉમેરો

રાજકોટ, તા. ૬ : અમદાવાદમાં કોવિડ હોસ્પિટલમાં બનેલ ગોઝારી ઘટના અંગે દુઃખ વ્યકત કરતા પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવેલ કે જે રીતે હોસ્પિટલમાં આગ લાગી અને આઠ દર્દીઓ બળીને ખાખ થઈ ગયા આ બનાવ ખૂબ જ દુઃખદ છે. આ દર્દીઓ પોતાના જીવ બચાવવા હોસ્પિટલમાં દાખલ થયા હતા. જયારે હોસ્પિટલમાં જ બળીને ખાખ થઇ ગયા.

બાપુએ કહેલ સરકારને દર્દીઓની કંઈ પડી જ નથી. થોડા દિવસ પહેલા દહેજમાં હું ગયો ત્યારે મને એમ કહેવામાં આવ્યુ કે અનેક લોકો બળીને મરી ગયા છે અને કોઈ ધ્યાન આપતુ નથી. સુરતમાં પણ આવા જ બનાવમાં કેટલાક વિદ્યાર્થીઓ બળીને તો કેટલાક એપાર્ટમેન્ટમાંથી કૂદકો મારી ગુજરી ગયા હતા. આ તમામ ગુજરાતના નાગરીકો જ છે. ફાયર સેફટીના સાધનોની કોઈ ચકાસણી થતી જ નથી હસ્પિટલો કે ટ્યુશન કલાસીસમાં.

અમદાવાદ રામભરોસે છે. અયોધ્યામાં રામ મંદિર બનાવવાથી લોકોના જીવ બચવાના નથી. આ રામભરોસે જે તંત્ર ચાલે છે અને જયારે મુખ્યમંત્રીને લોકો ફરીયાદ કરે કે અમારા ઓર્ડરો થઈ ગયા છે. આમ છતાં ભરતીઓ થતી નથી. આ કેવો વહીવટ છે કે પછી વહીવટ છે જ નહિં? જરૂરીયાત મુજબનો સ્ટાફ તુરંત ભરતી થવી જોઈએ. આગને કાબુમાં લાવવા ફાયરના કર્મચારીઓ જ નહોય, બંબા કામ ન કરતા હોય તો તે તંત્રની લાચારી છે. આ એક જાતની ગુનાહીત બેદરકારી કહેવાય. જવાબદાર અધિકારી સામે ૩૦૨ની કલમ દાખલ કરવી જોઈએ.

શંકરસિંહે વધુમાં જણાવ્યુ કે આ ઘટના પાછળ કોણ બેદરકાર હતું. તેની સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ. બનાવ બાદ હવે કમીટીની રચના કરાશે. માત્ર આવુ ડીંડક કરવાથી કંઈ નહિં ચાલે અને મૃતકોના પરીવારજનોને સરકાર આર્થિક સહયોગ આપે તેમ અંતમાં જણાવ્યુ હતું.

(4:43 pm IST)