Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

વાલીઓને સ્કુલની કુલ ફીમાં ૧૦% જેટલી રાહત મળશે

ટયુશન ફી અંગે સરકાર અને સંચાલકો સાથે બેસીને ફોર્મ્યુલા નકકી કરે ત્યારબાદ વાલીઓને રાહત મળે છે કે કેમ તે ખબર પડશેઃ હાલના તબકકે એકસ્ટ્રા ફી ન લેવાના હાઇકોર્ટના સુચનને પગલે વાલીઓને ૧૦% જેટલી ઓછી ફી ભરવી પડશે

અમદાવાદ તા. ૬ : ગુજરાત હાઇકોર્ટના ફી અંગેના ચૂકાદા બાદ વાલીઓને હાલના તબકકે ૧૦ ટકા જેટલી ફી ઓછી ભરવી પડશે તેમ જાણવા મળે છે. હાઇકોર્ટ ચુકાદામાં કરેલા અવલોકનમાં જે એકિટવિટી અત્યારે બંધ છે તેની ફી ન લેવી જોઇએ તેવું સુચન કર્યુ હતું. જેના પગલે સ્કુલોની ક્રાફસ્ટ ફી, કમ્પ્યુટર ફી, જીમખાના ફી, કો-કરિકયુલમ ફી સહિતની એકસ્ટ્રા એકિટવિટીની અંદાજે કુલ ફીની ૧૦ ટકા જેટલી રકમ વાલીઓએ ઓછી ભરવી પડશે. જયારે ટયુશન ફી અંગે સરકાર અને સંચાલકો સાથે બેસીને ફોર્મ્યુલા નકકી કરશે આમ, જો સ્કુલોને પૂરેપૂરી ટયુશન ફી વસુલવાની મંજૂરી મળે તો વાલીઓને ૧૦ ટકા જેટલી જ રાહત થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજયની સ્કુલોમાં બે પ્રકારની ફી લેવામાં આવે છે. જેમાં એક ટયુશન ફી અને ટર્મ ફી હોય છે. જયારે એકસ્ટ્રા ફીમાં શાળામાં થતી અન્ય એકિટવીટીનો સમાવેશ થાય છે. જો કે, હાલમાં શાળાઓમાં કોરોનાના પગલે શૈક્ષણીક કાર્ય બંધ છે ત્યારે સ્કુલોમાં માત્ર ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. જયારે એકસ્ટ્રા એકિટવીટી હાલમાં બંધ છે. આ સ્થિતિમાં હાઇકોર્ટ દ્વારા બુધવારે આવેલા ચુકાદા બાદ વાલીઓને એકસ્ટ્રા ફી ભરવામાંથી રાહત મળશે.

સ્કુલની સરેરાશ ફી રૂ. ૩૦,૦૦૦ હોય તો તેમાં રૂ. ૩૦૦૦ જેટલી એકસ્ટ્રા ફી હોય છે. જેના પગલે વાલીઓને ૧૦ ટકા જેટલી ફી ઓછી ભરવી પડે તેમ હાલના તબકકે જણાય છે. જયારે ટયુશન ફી સ્કુલો લઇ શકે તેવું સુચન ચુકાદામાં છે., પરંતુ તે માટે સરકાર અને સંચાલકોએ બેસીને ફોર્મ્યુલા નકકી કરવાની છે. આ ફોર્મ્યુલા બાદ વાલીઓને વધુ રાહત મળી શકે તેમ છે. આ ઉપરાંત જો સ્કુલો ટર્મ ફી ન વસુલવા રાજી થાય તો વાલીઓને ફીમાં વધુ ૧પ ટકા જેટલી રાહત મી શકે તેમ છે.

(11:28 am IST)