Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ગુજકોકમાં સાક્ષીઓને પુરતા રક્ષણની અનેક જોગવાઈઓ

આતંકવાદીઓને લગતા મામલામાં ઝડપી કાર્યવાહી : વિશેષ કોર્ટની રચના ન થાય ત્યાં સુધી આ ગુનાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સત્તા ડિવિઝન સેશન પાસે

અમદાવાદ, તા. ૫ : ગુજકોકને રાષ્ટ્રપતિ દ્વારા મંજુરી આપવામાં આવી છે. આમા કઠોર જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદા હેઠળ વિવિધ ગુના સંબંધમાં વિશેષ કોર્ટની સત્તાની જોગવાઇ પણ છે. પબ્લીક પ્રોસીક્યુટર, વધારાના પબ્લિક પ્રોસીક્યુટર અને ખાસ પબ્લીક પ્રોસીક્યુટર નિમણૂંક કરાશે. જે આતંકવાદીને લગતા તથા સંગઠિત ગુના નિયંત્રણના કેસો જ લડશે. ઉપરાંત કાયદાકીય કાર્યવાહી કરવા માટે વિશેષ કોર્ટની રચના કરાશે. જો આવી કોર્ટો કાયદાકીય કાર્યવાહી કરી શકે તેમ ન હોય તો તે નિયમિત કોર્ટને તબદીલ કરી શકાશે. વિશેષ કોર્ટની રચના ન થાય ત્યાં સુધી આ ગુનાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સત્તાઓ ડિવિઝન સેશન્સ કોર્ટ પાસે રહેશે. વિશેષ કોર્ટના હુકમ સામે અપીલની પણ જોગવાઇ કાયદામાં કરાઇ છે. આતંકવાદ તથા સંગઠિત ગુના સંદર્ભે સંદેશા વ્યવહારને આંતરીને મેળવાયેલ પુરાવા ગ્રાહ્ય રખાશે. તેમજ પુરાવા માટે ખાસ નિયમો પણ ઘડાશે.

                    નવા કાયદા મુજબ, પોલીસ અધિકારી સમક્ષ આરોપીએ કરેલી કબુલાતને પણ વિચારણામાં લેવાશે તથા સાક્ષીઓને પૂરતું રક્ષણ પણ પૂરું પાડવામાં આવશે. સંગઠિત ગુનાની ઉપજમાંથી સંપાદિત કરેલી મિલકતને ટાંચમાં લેવા અને સરકારને હસ્તક્ષેપ થવાની જોગવાઇ કાયદામાં કરાઇ છે. મિલકતની તબદિલીઓ પણ રદબાતલ કરવાની જોગવાઇ સહિત ફોજદારી કાર્યરીતિના નિયમોમાં પણ ફેરફાર કરી શકાશે. તેમજ ગુનાની ન્યાયિક નોંધ લેવાની અને તપાસ માટેની સરકારી કર્મચારીઓ પોતાની ફરજોના પાલનમાં ચૂક કરે તો શિક્ષાની જોગવાઇ, શુદ્ધ બુદ્ધિથી લીધેલા પગલાઓને રક્ષણની જોગવાઇ પણ કાયદામાં કરાઇ છે. રાજ્ય સરકાર દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ તથા સંગઠિત ગુનાઓના નિયંત્રણ માટે સતત ચિંતા કરીને જે પ્રયાસો થઇ રહ્યા છે. તેને આ કાયદાથી પૂરતું બળ મળશે અને રાજ્યની સુરક્ષા સાથે નાગરિકોને વધુ સલામતી પ્રાપ્ત થશે.

(8:21 pm IST)