Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

અમદાવાદમાં કોરોનાના ૪૩ કેસ થતા રાજ્યમાં ટોપ ઉપરઃ ત્રીજા તબક્કામાં સપડાયુ

અમદાવાદ: ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસના નવા આંકડા રોજેરોજ જાહેર થાય છે, જે બતાવે છે કે અમદાવાદની સ્થિતિ વકરી રહી છે. આરોગ્ય સચિવ જંયતી રવિએ આપેલા લેટેસ્ટ આંકડા અનુસાર, આજે ગુજરાતમાં કુલ કેસનો આંકડો 105 પર પહોંચ્યો છે. જેમાઁથી 43 કેસ અમદાવાદના છે. રોજ જે નવા કેસ સામે આવે છે, તેમાં સૌથી ટોપ પર  અમદાવાદ છે. આમ, અમદાવાદ કોરોના વાયરસનું એપિ સેન્ટર બની ગયુ છે. અમદાવાદના 5 કેસોમાં 2 બાપુનગર, એક જમાલપુર અને એક આંબાવાડી વિસ્તારનો છે. આવામાં અમદાવાદ શહેર કોરોનાના ત્રીજા તબક્કામા સપડાયુ હોય તેવુ સ્પષ્ટ દેખાય છે.

5 વિસ્તારોમા 500 ઘરોને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરાયા

ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો.ઓમપ્રકાશે જણાવ્યું કે, અમદાવાદ શહેર કોરોનાના ત્રીજા તબક્કામા સપડાયુ છે. કોમ્યુનિટી ટ્રાન્સમિશનમાં અમદાવાદ સપડાયુ છે. અમદાવાદના 5 વિસ્તારોમા ક્લસ્ટર કોરેન્ટાઇન કરવાની ફરજ પડી છે. જેમાં શાહપુર, બાપુનગર, શાહઆલમ દરિયાપુર, જમાલપુરમા ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરાયા છે. 5 વિસ્તારોમા 500 ઘરોને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરાયા છે. અંદાજે 22000 જેટલા વ્યક્તિઓ ક્લસ્ટર ક્વોરન્ટાઇનમાં છે. કોરોનાનો ચેપ લોકલ ટ્રાન્સમિશનમાં ફેલાતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે.

સોસાયટીની એન્ટ્રી પર પતરા લગાવી પ્રવેશ બંધ કરાયો

તેમણે વધુમા જણાવ્યું કે, પોઝિટિવ કેસના દર્દીના સંપર્કમાં જે સોસાયટી આવી હોય ત્યાં ક્લસ્ટર કોરેન્ટાઇન કરાયુ છે. સોસાયટીના સભ્યો બહાર નહિ નીકળી શકે, તેમજ સોસાયટી બહારનો વ્યક્તિ અંદર નહિ પ્રવેશી શકે. સોસાયટીના પ્રવેશદ્વાર સિલ કરાયા છે. સોસાયટીની એન્ટ્રી પર પતરા લગાવી પ્રવેશ બંધ કરાયો છે. આ વિસ્તારોમાં ડોક્ટર દિવસમાં ત્રણ વાર પોઝિટિવ કેસ આવેલા દર્દીના પરિવારના સભ્યોનું સતત મોનિટરીગ કરી રહ્યાં છે. જીવન જરૂરિયાત માટેની આવશ્યક વસ્તુઓ amc દ્વારા સોસાયટીઓમાં પહોંચાડશે. ક્વોરોન્ટાઇન વ્યક્તિઓ માટે amc અને પોલીસે મોબાઈલ એપ તૈયાર કરી છે. હાલ તમામ ડેટા એકઠો કરાઈ રહ્યો છે. નજીકના દિવસમાં મોબાઈલ એપથી ટ્રેસિંગ શરૂ કરાશે.

(4:54 pm IST)