Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

સુરતઃ ધારાસભ્ય ઝંખનાબેન પટેલનો સંસ્થાઓના સંકલનથી જરૂરીયાતમંદોને દરરોજ ૨૦ હજાર ફુડ પેકેટ્સનો સેવાયજ્ઞ

લોકડાઉનમાં ગરીબ-શ્રમજીવી પરિવારની વ્હારે ધારાસભ્ય ઝંખનાબેન પટેલેઃ ૩ રસોડામાં સતત કાર્યરત

રાજકોટ,તા.૪: કોરોના વાયરસની ચેઈને તોડવા માટે વડાપ્રધાન દ્વારા દેશભરમાં આગામી તા ૧૪ મી એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે ત્યારે આ લોકડાઉન ના કારણે સૌથી ખરાબ હાલત મજૂરી કામ કરતા સ્લમ વિસ્તારમાં રહેતા લોકોની થઈ છે. આવા લોકોની અનેક સેવાભાવી સંસ્થાઓ મદદ કરી રહી છે. જેમાં સુરત ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલે પણ તેમના વિસ્તારના ગરીબ લોકોને ફૂડ પેકેટ મોકલવા માટે એક સાથે ત્રણ મોટા રસોડા શરૂ કરીને રોજ ૨૦ હજારથી પણ વધુ ફૂડ પેકેટનુ વિતરણ શરૂ કર્યુ છે.

કોરોના વાયરસને અટકાવવા માટે લોકડાઉનની જાહેરાત થતાની સાથે જ સુરત શહેરમાં રહેતા ગરીબ તથા મજૂર વર્ગના લોકો પોતાના વતન જવા માટે નિકળી પડ્યા હતા. ત્યારે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ દ્વારા આવા લોકોને સમજાવીને વતનઙ્ગ ન જવાને બદલે હાલમાં વડાપ્રધાન દ્વારા જે વિનંતી કરવામાં આવી છે તે પ્રમાણે જયાં છે ત્યા જ રોકાવા માટે સમજાવ્યા હતા. જોકે તેમની મહેનત રંગ લાવી હતી. તેમના વિસ્તારમાં આજે પણ મોટા ભાગના શ્રમજીવીઓ સુરતમાં જ છે. હવે આ લોકો સુરતમાં રોકાઈ તો ગયા પરંતુ તેઓને ભોજન પુરૂ પાડવા માટેની એક મોટી મુંજવણ ઉભી થઈ હતી. અને તેમણે તુરંત જ તેમના વિસ્તારમાં એક પછી એક કરીને ત્રણ રસોડા કાર્યરત કરી દિધા હતા. તેમના વિસ્તારની સામાજીક સંસ્થાના આગેવાનો સાથે બેઠક કરીને તેમણે એક સુંદર આયોજન કર્યુ હતુ.

આ ત્રણ રસોડામાં રોજના ૨૦ હજારથી પણ વધુ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે સમય પ્રમાણે જરૂરીયાત મંદ લોકોને પહોંચતા પણ કરવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે તેઓ તથા તેમના સ્વયંસેવક સ્લમ વિસ્તારમાં જઈને ફૂડ પેકેટનુ વિતરણ કરી રહ્યા છે.

(4:07 pm IST)