Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

નિયમોનું ઉલ્લંઘન નહિ કરતા

વાળ કપાવવા નીકળેલા પ જણા દુકાને પહોંચે એ પહેલા જ પોલીસ લોકઅપમાં

અમદાવાદ, તા.૪: દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. તેમ છતાં ઘણા લોકો બહાના બનાવીને દ્યરની બહાર નીકળી રહ્યા છે. ત્યારે લોકડાઉનમાં હેર કટિંગ કરાવવા માટે બહાર નીકળેલા પાંચ લોકો સીધા લોકઅપમાં પહોંચી ગયા. આ પાંચમાંથી એક વ્યકિતની દુકાનના વાણંદ સાથે પહેલા તકરાર થઈ હતી. જે બાદ તેણે આ લોકોને વાળ કાપવા માટે બોલાવ્યા અને પોતાની બંધ દુકાનની બહાર ઊભા રાખ્યા. બીજી તરફ તેણે પોલીસે ફોન કરીને લોકડાઉનના નિયમનું ઉલ્લંઘન કરતા લોકોની જાણકારી આપી દીધી.

જાણકારી મુજબ, ગાંધીનગરના સાંતેજ ગામના પાંચ લોકોની વાણંદ સાથે વાત કર્યા બાદ હેર કટિંગ કરાવવા તેની દુકાનની બહાર ઊભા હતા. જે બાદ પોલીસે તેમને પકડીને તેમની વિરુદ્ઘ લોકડાઉનના નિયમનું ઉલ્લંઘન કરવાનો ગુનો નોંધ્યો. વાણંદે સાંતેજમાં પોતાની દુકાનની આગળ પાંચ જેટલા લોકો એકઠા થયા હોવાની જાણકારી પોલીસને આપી હતી.

પોલીસને મળેલી આ માહિતી ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વેરિફાઈ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું કે ૫ લોકો હેર કટિંગ અને શેવિંગ કરાવવા દુકાનની બહાર રાહ જોઈ રહ્યા છે. તેમને પકડીને તેમની વિરુદ્ઘ લોકડાઉનના નિયમનો ઉલ્લંધન કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ગાંધીનગર પોલીસના એક પોલીસકર્મીએ જણાવ્યું કે, તેમને ફરિયાદ મળી હતી કે કેટલાક લોકો એકઠા થઈને લોકડાઉનના નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે, તે પાંચમાંથી એક વ્યકિતની પૂર્વમાં તે વાણંદ સાથે તકરાર થઈ હતી. તેણે પોતાનો બદલો લેવાનો સારો સમય પસંદ કર્યો. જોકે તેણે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવામાં પોલીસની મદદ કરી છે આથી તેની ઓળખ જાહેર કરાઈ નથી.

(11:34 am IST)