Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કામદાર, નોકરિયાત કે ઘરે આવતા કામવાળાને પગાર નહીં આપો તો થઇ શકે છે જેલ

ગુજરાત સરકારનાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આદેશ

અમદાવાદ, તા.૪: મહામારી કોરોના વાયરસને આખા દેશમાં લોકડાઉન છે ત્યારે રોજગાર, ધંધા, વેપાર બંધ થઇ ગયા છે. ત્યારે ગુજરાત સરકારનાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. કોઈ પણ કંપની, ફેકટરી કે યુનિટ કે કારખાનાવાળા તેમના કર્મચારી,કામદાર કે મજૂરને લોકડાઉનની સ્થિતિમાં કાઢી શકશે નહી અને કામ પર ન આવવા છતાં તેને પગાર ચુકવવાનો રહેશે.જો પગાર ચુકવવામા નહી આવે અથવા પગાર કાપી લેવાશે તો તેની સામે કાયદેસારના પગલાં લેવાશે. આ સાથે મકાન માલિક પણ નોકર કે ઘરઘાટીને પગાર નહીં આપે તો તેની સામે કાયદાકીય પગલા રૂપે એક વર્ષ સુધીની જેલ પણ થઇ શકે છે.

સરકારના શ્રમ અને રોજગાર વિભાગનાં એડિશનલ ચીફ સેક્રેટરી વિપુલ મિત્રાએ જણાવ્યુ કે, કામદાર, મજૂરો કે કર્મચારી જ નહી જો દ્યર માલિક ઘરઘાટી કે નોકરને પણ પગાર નહી ચુકવે તેમજ કાઢી મુકશે તો તેની સામે પણ પગલા લેવાઈ શકે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટમાં આર્થિક દંડ અથવા એક વર્ષ સુધીની જેલની જોગવાઈ છે. કામદારો-મજૂરોની ફરિયાદ માટે કંટ્રોલ રૂમ બનાવાયો છે અને હેલ્પલાઈન પણ શરૂ કરાઈ છે. આ ઉપરાંત ટ્વિટર હેન્ડલર પર પણ ફરિયાદ કરી શકે છે.

સરકારના એમ્પ્લોયમેન્ટ એન્ડ લેબર ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરીએ વધુમાં કહ્યું કે, અત્યાર સુધી પગાર ન આપવાની અનેક ફરિયાદો મળી છે. જેમાં ખાસ કરીને પીપાવાવ પોર્ટની બહાર આવેલા કેટલાક યુનિટ દ્વારા પગાર ન કરાયો હોવાની ફરિયાદ મળી હતી. આ ઉપરાંત સુરત ટેકસ્ટાઇલ યુનિટના કેટલાક યુનિટ સામે પણ ફરિયાદ મળી છે. તેમજ ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં પણ કેટલાક મજૂરોને પગાર ન મળ્યાની ફરિયાદ સામે આવી હતી. અમને મળેલી આ તમામ ફરિયાદોનું નિરાકરણ કરી દેવામાં આવ્યું છે અને કામદારો, મજૂરોને પગાર ચુકવી દેવાયો છે.

(10:09 am IST)