Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

મહેસાણાની મહિલાઓ દ્વારા અનેરી રાષ્ટ્રસેવાઃ ૨૮૦૦૦ માસ્ક બનાવ્યા

ડી.ડી.ઓ. એમ.વાય. દક્ષિણી, નિયામક મેહુલ દવેનું માર્ગદર્શન

રાજકોટ, તા. ૧ :. મહેસાણા જિલ્લામાં સખી મંડળો દ્વારા માસ્કનું ઉત્પાદન કરી રોજગારી સાથે રાષ્ટ્ર સેવાનું પ્રેરણાદાયી કામ કર્યુ છે તેમ જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણીએ જણાવ્યુ હતું.શ્રી એમ.વાય. દક્ષિણીએ ઉમેર્યુ હતુ કે કોરોના વાયરસની મહામારી વૈશ્વિક મહામારી ગંભીર રૂપ ધારણ કરી ચૂકી છે. ગુજરાતમાં પણ હાલમાં તેના અનેક કેસ થઈ ચૂકયા છે. તેવા સમયમાં આ મહામારીમાં માસ્ક અને સેનિટાઈઝરની અછતનું નિર્માણ થયુ છે. સમયાંતરે તંત્ર દ્વારા આ વસ્તુઓની અછત નિવારવાના પ્રયત્નો થઈ રહ્યા છે તેવા સંજોગોમાં મહેસાણા જિલ્લાના જુદા જુદા સખી મંડળોએ માસ્કની માંગને પુરી કરવા તૈયારી દર્શાવી માસ્કનું ઘર બેઠા ઉત્પાદન શરૂ કર્યુ છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ મિશન મંગલમ યોજનાની સ્વસહાય જુથની મહિલાઓ દ્વારા આરોગ્ય શાખાને ૧૫૦૦૦, એપીએમસી વિસનગરને ૫૦૦૦, અન્ય સંસ્થાઓને ૫૦૦૦ મળી ગ્રામ્ય કક્ષાએ ૩૦૦૦ માસ્ક આપવામાં આવ્યા છે. જિલ્લાની ૪૬ વિવિધ સખી મંડળોની ૧૨૦ બહેનો દ્વારા ૨૮ હજાર માસ્ક તૈયાર કરાયા છે.

આમ કોરોનાની મહામારીના સમયમાં બજારમાં માસ્કની તંગી વર્તાય છે, ત્યારે મહેસાણા જીલ્લાની સખી મંડળની બહેનોએ દિવસ-રાત કામ કરીને ઓછી કિંમતમા માસ્ક બનાવી આપ્યા છે. આમ તેઓને સવેતન સેવા સાથે રાષ્ટ્ર સેવા કરીને પોતાની ફરજ બજાવી છે જે સરાહનીય છે.

(4:00 pm IST)