Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અછતના નામે કાળા બજારી શરૂ

દુકાનોમાં સિંગતેલ સહિતના ખાદ્યતેલના ડબ્બા ખૂટી પડયા

લોકોએ એકને બદલે ત્રણ-ત્રણ ડબ્બા એક સાથે લઈ લેતા બજારોમાં અનેક કરિયાણાની રીટેઈલ દુકાનોમાં પણ તેલના ડબ્બા ખુટી ગયા હતા

અમદાવાદ, તા.૧: કોરોના વાયરસના સંક્રમણને રોકવા વડાપ્રધાને જાહેર કરેલા સમગ્ર દેશના લોકડાઉનના બીજા જ દિવસથી લોકોમાં ડર ફેલાતા મોટી સંખ્યામાં લોકો એકથી બે મહિનાનું અનાજ-કરિયાણુ લઈ રહ્યા છે ત્યારે સિંગતેલના ડબ્બાની ભારે ડિમાન્ડ ઉભી થતા અછતના નામે કાળા બજારી પણ થઈ રહી છે. બીજી બાજુ કરિયાણાની દુકાનોમાં હાલ સિંગતેલના ડબ્બા જ ખુટી ગયા છે.આ સ્થિતિમાં ગરીબ અને મધ્યવર્ગના પરિવારોની હાલત કફોડી બની છે.

ગુજરાત સરકારે ગત ૨૩મીએ ૩૧મી સુધીના સમગ્ર ગુજરાતના લોકડાઉનની જાહેરાત કર્યા બાદ બીજા જ દિવસે ૨૪મીએ વડાપ્રધાને રાતે ૧૨ વાગ્યાથી સમગ્ર દેશ લોકડાઉન થશે તેવી જાહેરાત કરતા જ લોકોમાં કરિયાણુ લઈ લેવા માટે પડાપડી થઈ ગઈ હતી.૨૪મીએ રાત્રે જ અમદાવાદમાં અનેક લોકો લોકડાઉન તોડીને કરિયાણાની દુકાનો અને સુપરમોલ-સ્ટોર્સમા પહોંચી ગયા હતા. લોકડાઉનને પગલે અનાજની મોટી તંગી ઉભી થશે તેવા ભય હેઠળ અનેક લોકોએ એકથી બે મહિનાનું અનાજ-કરિયાણું એક સાથે લઈ લીધુ હતુ અને ખાસ કરીને સિંગતેલ સહિતના અન્ય ખાદ્યતેલના ડબ્બાની ભારે ડીમાન્ડ ઉભી થઈ હતી. લોકોએ એકને બદલે ત્રણ-ત્રણ ડબ્બા એક સાથે લઈ લેતા બજારોમાં અને અનેક કરિયાણાની રીટેઈલ દુકાનોમા પણ તેલનના ડબ્બા ખુટી ગયા હતા. આ તકનો લાભ લઈને ઘણા વેપારીઓએ પણ કાળા બજારી શરૂ કરી દીધી હતી. સિંગતેલનો ડબ્બો જે ૧૭૦૦ થી૧૮૦૦ રૂપિયાનો હતો તે હાલ ૨૩૦૦ રૂપિયામા વેચાઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી તેલના ડબ્બામાં મૂળ કિંમત કરતા વધારે કિંમત લેવાની અને તેલના ડબ્બાની ભારે અછત હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે.સોશિયલ મીડિયા દ્વારા લોકોએ કલેકટર કચેરી અને પુરવઠા અધિકારીને પણ ફરિયાદ કરી હતી.

આ અંગે ફૂડ કંટ્રોલર અધિકારીએ જણાવ્યું કે અમને હજુ સુધી કોઈ લેખિત ફરિયાદ આવી નથી પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદો આવ્યા બાદ અમે ખાદ્યતેલ વેપારી મહામંડળ સાથે વાત કરી હતી અને તેઓના જણાવ્યા મુજબ લોકડાઉનને બદલે ટ્રાન્સપોર્ટેશન થોડા દિવસ બંધ રહેતા શોર્ટેઝ ઉભી થઈ હતી તેમજ ક્રુડઓઈલ-પામઓઈલના વૈશ્વિક સ્તરે ભાવ વધતા તેની અસર પણ હાલ પડી છે.ઉપરાંત મજૂરો પણ હાલ નથી અને સપ્લાય શોર્ટેઝ ઉભી થઈ છે પરંતુ નાફેડની મંજૂરી બાદ હવે થોડા દિવસમાં તેલના ડબ્બાની દ્યટ ઓછી થશે અને બજારો-દુકાનોમાં મળતા થઈ જશે. જયારે ફૂડ કંટ્રોલરે કાળાબજારી અને ભાવ વધારે લેવા અંગે જણાવ્યુ કે ભાવ વધારો ન લેવો જોઈએ.

હાલ કરિયાણાની દુકાનોમાં દ્યણા વેપારી નાનાથી મોટા ડબ્બાઓમાં-પેકિંગમાં વધારે રૂપિયા લઈ રહ્યા છે અને લોકોમાં ફરિયાદ છે કે ઘણા વેપારીઓ હાલની સ્થિતિનો લાભ ઉઠાવી અગાઉ જે કિંમતે ડબ્બા ખરીદ્યા હતા તેના કરતા વધુ ભાવે હાલ વેચી રહયા છે. ઉપરાંત લોકડાઉન જાહેર થયાના એક-બે દિવસમાં જ ભાવ અચાનક કઈ રીતે વધી ગયા ? ગોડાઉનોમાં અને દુકાનોમાં તો ડબ્બા હતા જ તો પછી અચાનક કેમ એક-બે દિવસમાં ભાવ વધારો થઈ ગયો ?લોકોમાં ઉગ્ર વિરોધ સાથે રોષ ફેલાયો છે અને ફરિયાદો ઉઠી છે કે કલેકટર કચેરી દ્વારા કાળા બજારી કરનારા વેપારીઓ સામે કોઈ પગલા લેવામા આવતા નથી.માત્ર સરકાર મોટી મોટી વાતો કરે છે.

(10:40 am IST)