Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

અક્ષય કુમાર સાથે કામ કરી પોતાને નસિબદાર સમજે છે નિર્દેશક રાજ મહેતા

અક્ષય કુમાર અનહદ મહેનત, કામ પ્રત્યે સમર્પણ અને પોતાના ઝુનૂન માટે જાણીતો છે. આ કારણે જ તેણે બોલીવૂડમાં જબરદસ્ત સફળતા મેળવી છે. હાલમાં અક્ષય ફિલ્મ ગૂડ ન્યુઝના કામમાં વ્યસ્ત છે. થોડા દિવસો પહેલા તેને આ ફિલ્મના ગીતના શુટીંગ વખતે કમરમાં ભારે દુઃખાવો ઉપડ્યો હતો, આ ઉપરાંત તાવ પણ ચડીગયો હતો. જો કે અક્ષયએ આ વાતની કોઇને જાણ કર્યા વગર જ દુઃખાવા સાથે ગીતનું શુટીંગ પુરૂ કર્યુ હતું. અક્ષયએ પ્રોફેશનલ  ગીતનું શુટીંગ પુરૂ કરી પોતાની કામ પ્રત્યે લગન અને નિષ્ઠા દેખાડી હતી. ફિલ્મમાં કરીના કપૂર, દિલજીત દોસાંજ, કિયારા અડવાણી પણ છે. નિર્દેશક રાજ મહેતાએ કહ્યું હતું કે હું ભાગ્યશાળી છું કે મેં એવા અભિનેતા સાથે કામ કર્યુ જે સ્થિતિની ગંભીરતા સમજે છે. રાજે કહ્યું હતું કે અક્ષય શુટીંગની આગલી રાતે જ તાવમાં પટકાયો હતો. અમને આશા જ નહોતી કે સવારે એ શુટીંગમાં આવશે. પરંતુ આશ્ચર્યજનક રીતે અક્ષય સમયસર સેટ પર હાજર હતો. ગીતના શુટીંગ બાદ મેં જ્યાં કટ કહ્યું ત્યાં જ અક્ષય  પીઠના દર્દથી પણ પિડાતો હોવાની ખબર પડી હતી. મેં મારી પચ્ચીસ વર્ષની કારકિર્દીમાં આવો કલાકાર જોયો નથી. અક્ષય-કરીનાની આ ફિલ્મ ૨૭મી ડિસેમ્બરે આવી રહી છે.

(10:56 am IST)