Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની વધુ એક સિદ્ધિઃ સૌથી ઝડપી રન બનાવવાનો રીકી પોન્ટીંગ-લોઇડનો રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની ઉપલબ્ધીઓમાં વધુ એક છોગું ઉમેર્યું છે. તેણે બાંગ્લાદેશ સામે કોલકાતામાં રમાઈ રહેલી ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે 32મો રન લેવાની સાથે જ પોતાના નામે એક એવો રેકોર્ડ કરી લીધો, જે અત્યાર સુધી એક પણ ભારતીય ખેલાડી કરી શક્યો નથી. ક્રિકેટના ઇતિહાસમાં તેના પહેલા માત્ર 5 ખેલાડી જ આ ઉપલબ્ધિ હાંસલ કરી શક્યા છે. વિરાટે સૌથી વધુ ઝડપે આ રેકોર્ડ બનાવ્યો છે.

વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટના પ્રથમ દિવસે 32મો રન લેવાની સાથે જ કેપ્ટન તરીકેના પોતાના 5000 રન પુરા કર્યા હતા. વિરાટે કેપ્ટન તરીકે સૌથી ઓછી ઈનિંગ્સમાં આ આંકડો પાર કર્યો છે. તેણે 86મી ઈનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો છે. આ અગાઉ કેપ્ટન તરીકે સૌથી ઝડપી 5000 રન પુરા કરવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રિકી પોન્ટિંગના નામે હતો, જેમણે 97 ઈનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.

વિરાટ કોહલી અને રિકી પોન્ટિંગ પછી ત્રીજા નંબરે વેસ્ટઈન્ડિઝના મહાન કેપ્ટન ક્લાઈવ લોઈડનો નંબર છે, જેમણે 106 ઈનિંગ્સમાં 5000 રન પુરા કર્યા હતા.

વિશ્વમાં છઠ્ઠો ખેલાડી બન્યો કોહલી

વિરાટ કોહલી કેપ્ટન તરીકે 5000 રન બનાવનારાની યાદીમાં હવે છઠ્ઠા ક્રમે પહોંચ્યો છે. કેપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ રન બનાવનારાની યાદીમાં દક્ષિણ આફ્રિકાનો ગ્રીમ સ્મિથ પ્રથમ ક્રમે છે. ગ્રીમ સ્મિથે 109 મેચમાં 193 ઈનિંગ્સ સાથે 8,659 રન બનાવ્યા છે.

ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડર (93 મેચ, 6623) બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો જ રિકી પોન્ટિંગ (77 મેચ, 6542 રન) સાથે ત્રીજા, ક્લાઈવ લોઈડ (74 મેચ, 5222 રન) સાથે ચોથા અને સ્ટીફન ફ્લેમિંગ (80 મેચ, 5156 રન) સાથે પાંચમા ક્રમે છે.

વિરાટ કોહલી બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. તે અત્યારે પોતાની ટેસ્ટ કારકિર્દીની 84મી ટેસ્ટ રમી રહ્યો છે. તેમણે આ મેચથી પહેલા 83 ટેસ્ટમાં કુલ 7066 રન બનાવ્યા છે અને 26 સદી ફટકારી છે.

(4:48 pm IST)