Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

૨૦૨૧ની IPL હરાજીમાં યુવા ચહેરા બાજી મારી જશે

આઈપીએલ સત્ર પુરૂ થતાં ૨૦૨૧ની ગણતરી શરૂ : દેવદત્ત પડીક્કલ, રાહુલ ત્રિપાઠી, વરૂણ ચક્રવર્તી જેવા યુવા ખેલાડીઓએ પ્રવર્તમાન સત્રમાં શાનદાર દેખાવ કર્યો

મુંબઈ, તા.૧૧ : આઈપીએલ ૨૦૨૦ની સીઝન પૂર્ણ થઈ ચુકી છે. રોહિત શર્માના સુકાની પદ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ સિઝન ૧૩ના ફાઈનલના મુકાબલામાં (મુંબઈ વિ. દિલ્હી) દિલ્હી કેપિટલ્સને ૫ વિકેટે હરાવી દીધું છે. આમ મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન બનીને ટ્રોફી પર પોતાનો કબ્જો જમાવ્યો છે.

આઈપીએલ હિસ્ટ્રીમાં મુંબઈ ઈન્ડિયન્સ સૌથી સફળ ટીમ છે કે જેણે સૌથી વધારે ૫ વખત આ ટ્રોફી જીતી છે. દિલ્હીની ટીમે ૧૩ વર્ષમાં પહેલીવાર ચેમ્પિયન બનવાનો મોકો ગુમાવી દીધો છે.

કેટલાક યુવા ખેલાડીઓએ તેમના પ્રદર્શનના આધારે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. આઈપીએલ ૨૦૨૦ માં કેટલાક એવા ખેલાડીઓ હતા જેમણે ક્રિકેટના દિગ્ગજ સૌરવ ગાંગુલી, મહેન્દ્રસિંહ ધોની અને સચિન તેંડુલકરને પણ પ્રભાવિત કર્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો દેવદત્ત પડીક્કલ ટોચ પર છે. દેવદત્તની જેમ કેટલાક અન્ય યુવાનોએ પણ આઇપીએલ ૨૦૨૧ માટે આશા જગાવી છે.

રાહુલ ત્રિપાઠી- કોલકત્તા નાઈટ રાઇડર્સઃ અલબત્ત રાહુલ ત્રિપાઠી ટોચનો પરફોર્મર નહોતો, પરંતુ કોલકત્તા નાઈટ રાઇડર્સમાં ૧૧ મેચોમાં રાહુલે ૨૩.૦૦ ની સરેરાશ અને ૧૨૭.૦૭ ના સ્ટ્રાઇક રેટથી ૨૩૦ રન બનાવ્યા હતા.

વરુણ ચક્રવર્તી -કોલકત્તા નાઈટ રાઇડર્સ : મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી સર્વશ્રેષ્ઠ કલાકાર હતો. વરુણે દિલ્હી કેપિટલ્સ સામે ૫ વિકેટ લીધી ૧૩ મેચોમાં ચક્રવર્તીએ ૬.૮૪ ની સાથે ૧૭ વિકેટ લીધી હતી.

 તે ભારતીય ટી -૨૦ ટીમ સાથે ઓસ્ટ્રેલિયા જવાનો હતો, પરંતુ ખભામાં ઈજા થવાના લીધે તે મેચ રમી નહી શકે. હવે ટી નટરાજનને તેની જગ્યાએ ભારતીય ટી ૨૦ ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે.

દેવદત્ત પડીક્કલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર): દેવદત્ત પડીક્કલને આઈપીએલની આ સીઝનની શોધ કહી શકાય. તેણે આઈપીએલની આ સીઝનમાં ૧૫ મેચ રમી હતી તેણે ૩૧.૫૩ ની સરેરાશ અને ૧૨૪.૮૦ ના સ્ટ્રાઇક રેટથી ૪૭૩ રન બનાવ્યા. આ દરમિયાન તેણે ૫ અર્ધસદી પણ ફટકારી હતી.

(9:06 pm IST)