Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

સચિનને ઈન્ઝમામે કહ્યું, મારો દિકરો તારો ફેન છે

ટોક-શો દરમિયાન તેન્ડુલકરે જણાવી ડ્રેસીંગ - રૂમમાં સતત બોલતા રહેતા વિરેન્દ્ર સેહવાગને ચૂપ કરાવવાની ટેકનીક

સચિન તેન્ડુલકર ભલે ક્રિકેટમાંથી નિવૃત થઈ ગયો હોય, પરંતુ તેના ક્રિકેટના કિસ્સાઓ આજે પણ એટલા જ ચર્ચિત છે. ટોક શો 'વોટ ધ ડક-૩'માં સચિન અને વિરેન્દ્ર સેહવાગે ભાગ લીધો હતો જેમાં તેમણે ઘણી વાતોનો ખુલાસો કર્યો હતો. સચિનનું કહેવું હતું કે સેહવાગને ચીકન ખાતા ડર લાગતો હતો, કારણ કે તેનું માનવું હતું કે ચીકન ખાવાથી વ્યકિત જાડો થઈ જાય છે. સચિને પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઈન્ઝમામ-ઉલ-હક અને તેના દિકરાને લઈને પણ શોમાં એક વાત કરી હતી.

સચિને કહ્યું હતું, ઈન્ઝમામ ભારતીય ખેલાડીઓ સાથે સન્માન અને પ્રેમથી વાત કરતો હતો. મને યાદ છે જયારે અમે પાકિસ્તાનના પ્રવાસે હતા ત્યારે લાહોરમાં પાકિસ્તાનની ટીમ બાદ અમારી નેટપ્રેકટીસ શરૂ થવાની હતી. દરમિયાન ઈન્ઝમામ મારી પાસે તેના દિકરાને લઈને આવ્યો હતો અને કહ્યું હતું આ દિકરો ભલે મારો હોય, પરંતુ ક્રિકેટમાં તે તમારો ફેન છે. ઈન્ઝમામની વાત સાંભળીને મને ઘણુ સારૂ લાગ્યુ હતું ત્યારબાદ મેં થોડો સમય ઈન્ઝમામના દિકરા સાથે પસાર કર્યો હતો.

સચિને સેહવાગને લઈને પણ એક ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે હંમેશા ડ્રેસીંગ રૂમમાં કંઈ ને કંઈ બોલતો જ રહેતો હોય છે તેને ચૂપ કરાવવા માટે હું કેળા લઈેને આવતો. ભલે થોડો સમય માટે કેમ ન હોય, પરંતુ તેનું મોઢુ બંધ કરાવવામાં સફળતા મળતી હતી.

(3:45 pm IST)