Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

કચ્છમાં રાજ્ય મંત્રી વાસણભાઇ આહીરની ચાલતી સમીક્ષા બેઠક વચ્ચે મુન્દ્રા ભાજપનું કોવીડ હોસ્પિટલ શરૂ કરવા ચક્કાજામ: અદાણી ગ્રૂપ દ્વારા તાત્કાલિક ૨૫ બેડની અને ટુંક સમયમાં ૧૦૦ બેડની હોસ્પિટલ શરૂ કરવા ખાત્રી

(વિનોદ ગાલા,ભુજ) કચ્છમાં કોરોના કટોકટીએ સારવાર બાબતે દર્દીઓની અને તેમના સગા વ્હાલાઓની હાલત કફોડી કરી છે. તંત્ર દ્વારા સબ સલામતની વાતો વચ્ચે કચ્છની વર્તમાન હાલતનો ચિતાર એ ઉપરથી ખ્યાલ આવશે કે, આજે એક બાજુ રાજ્યમંત્રી વાસણ આહીર કોરોના બાબતે કચ્છ ભાજપના ચૂંટાયેલા વિવિધ હોદેદારો અને અધિકારીઓ સાથે ચર્ચા કરતા હતા બીજી બાજુ કોરોનાના કહેર વચ્ચે ભાજપના આગેવાનો  કોરોનાની સારવાર માટે મુન્દ્રામાં કોવીડ હોસ્પિટલ શરૂ કરવા કલાકો સુધી રસ્તા ઉપર ઉતર્યા હતા. અદાણી ગ્રૂપ દ્વારા મુન્દ્રામાં ૧૫૦ બેડની કોવીડ હોસ્પિટલ શરૂ થાય તેવી ઉગ્ર માંગ સાથે ભાજપના આગેવાનોએ મુન્દ્રા પોર્ટ ઉપર જતાં તમામ રસ્તાઓ ઉપર ચક્કાજામ કરતાં ત્રણ ત્રણ કિમી સુધી ભારે વાહનોના થપ્પા લાગી ગયા હતા. દરમ્યાન સતત છ કલાક સુધી ચાલેલા ચક્કાજામ દરમ્યાન મુન્દ્રામાં હોસ્પિટલ શરૂ કરવાની માંગ સાથે ભાજપના ચૂંટાયેલા સ્થાનિક આગેવાનોએ અદાણી ગ્રુપ સાથે વાટાઘાટો કરી અહીં ૧૫૦ બેડની હોસ્પિટલ ઊભી કરવા માંગણી કરી હતી. અદાણી ગ્રુપના ડાયરેકટર રક્ષિત શાહ સાથે નગરપતિ કિશોરસિંહ પરમાર, કારોબારી ચેરમેન ડાહ્યાલાલ આહીર, મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ ચેતન ચાવડા, મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ પ્રણવ જોશી, પ્રકાશ પાટીદાર સહિતના અગ્રણીઓ, મામલતદાર, પશ્ચિમ કચ્છ ડીવાયએસપી અને અન્યો વચ્ચે સતત વાટાઘાટ ચાલતી રહી હતી. અંતે મુન્દ્રામાં કોરોનાની સારવાર માટે તાત્કાલિક ૨૫ બેડની અને ટુંક સમયમાં ૧૦૦ બેડની કોવીડ હોસ્પિટલ શરૂ કરવા અદાણી ગ્રુપે સહમતી આપતાં ચક્કાજામ આંદોલન સમેટાયું હતું. કોરોનાના કહેર વચ્ચે અત્યારે મુન્દ્રાની સરકારી હોસ્પિટલ અને તાલુકા ના અન્ય સીએચસી તેમ જ પીએચસી માં અપૂરતા સ્ટાફ વચ્ચે રિપોર્ટ, સારવાર બાબતે અનેક અસુવિધાઓ હોઈ લોકોને ભુજ, અંજાર અને ગાંધીધામ સુધી સારવાર માટે જવું પડે છે. આવા સંજોગોમાં મુન્દ્રા ભાજપના આગેવાનોની કોવીડ હોસ્પિટલ માટેની ઉગ્ર માંગ અને અદાણી જૂથની ખાત્રીને કારણે લોકોને સ્થાનિકે કોરોનાની સારવાર મળતી થશે. (તસવીર: રાજ સંઘવી, મુન્દ્રા)

(7:57 pm IST)