Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

સુરેન્દ્રનગરના ચુડાના કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીના મોત બાદ મૃતદેહ છકડામાં લઇ જવો પડ્યો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૩૦ : સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ખુબ જ વધી ચુકયું છે અને જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વાયરસના અસંખ્ય કેસો વધી રહ્યાં છે ત્યારે ચુડા તાલુકામાં પણ કોરોના વાયરસના સંક્રમણને કારણે સરકારી કોવીડ હોસ્પીટલમાં તમામ બેડો ફુલ થઈ ચુકયા છે.

બીજી બાજુ કોરોનાથી ગ્રામ્ય વિસ્તારોમાં મોત પણ વધી રહ્યાં છે ત્યારે ચુડા સરકારી કોવીડ હોસ્પીટલમાં એમ્બ્યુલન્સના અભાવે કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીના પરિવારજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો જેમાં મૃત્યુ પામેલ કોરોના દર્દીના મૃતદેહને એબ્યુલન્સના અભાવે છકડામાં લઈ જવાનો વારો આવ્યો હતો.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચુડા તાલુકામાં ગોખરવાડા ગામના વ્યકિતને કોરોના પોઝીટીવ આવતાં થોડા દિવસો પહેલા સારવાર અર્થે ચુડા ખાતે આવેલ સરકારી કોવીડ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં જયાં સારવાર દરમ્યાન દર્દીનું મોત નીપજતાં પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી હતી. આથી મૃતકના પરિવારજનો ચુડા હોસ્પીટલ ખાતે આવ્યાં હતાં પરંતુ મૃતદેહને લઈ જવા માટે સરકારી સહિત ખાનગી એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી હાલાકી પડી હતી અને કોરોના મહામારી દરમ્યાન એમ્બ્યુલન્સ વ્યસ્ત હોવાનું જણાઈ આવતાં કલાકો સુધી રાહ જોયા બાદ મૃતક દર્દીના મૃતદેહને ચુડા હોસ્પીટલેથી ગોખરવાડા છકડામાં લઈ જવાનો વારો આવ્યો હતો જયાં હિન્દુ અને મુસ્લીમ સમાજના લોકોએ એકસંપ થઈ મૃતક કોરોના દર્દીની અંતિમવિધિ કરી હતી.

(10:54 am IST)