Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

રાજુલામાં ટાસ્ક ફોર્સ ત્રાટકી ૧૨ બાળમજુરોને છોડાવ્યા

અમરેલી, તા. ૨૯ :. જિલ્લાના રાજુલાના ડુંગર રોડ ઉપર આવેલા ડીહાઈડ્રેશનના કારખાના ઉપર ત્રાટકીને અમરેલીની ટાસ્ક ફોર્સે બાળમજુરી કરી રહેલા ૧૨ સગીરોને બચાવી અમરેલી લાવી અને કારખાનેદારની સામે રાજુલા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. તાજેતરની સુરતમાં બનેલી ઘટનાને પગલે રાજ્યભરમાં તંત્ર સજાગ થયું છે અને આવા સમયે અમરેલીના લેબર વિભાગને બાતમી મળી હતી કે રાજુલાના ડુંગર રોડ ઉપર આવેલા દક્ષ ફુડસ પ્રા.લી. નામના કારખાનામાં નાના નાના બાળકો પાસે મજુરી કામ કરાવાય છે આથી અમરેલી આસિ. લેબર કમિશનરના ચાર્જમાં રહેલા જિલ્લા શ્રમ અધિકારી જે.ડી. પટેલ તથા લીગલ કમ પ્રોબેશન ઓફિસર જિલ્લા બાળ સુરક્ષા એકમ અમરેલીના સંજય રાજકોટીયા તથા શ્રમ વિભાગના સીનીયર કલાર્ક સી.આર. ચોવટીયાની ટીમે રાજુલામાં ચીફ ઓફિસર ઉદય નશીત અને રાજુલા પોલીસ સાથેની ટાસ્ક ફોર્સે ચેકીંગ હાથ ધરતા આ કારખાનામાં કડીયાળી અને રાજુલા વિસ્તારના ૧૨ નાની ઉંમરના મજુરો મળી આવ્યા હતા. આ બાળ મજુરોને કારખાનામાંથી ૧૨ કલાક કામ કરવાના રોજના રૂ. ૨૩૦ અપાતા હોવાનું ખુલતા ૧૩ થી ૧૭ વર્ષની વય જુથના ત્રણ કિશોરો અને નવ કિશોરીઓ મળી બારેયને અમરેલી લાવવામાં આવ્યા હતા અને કિશોરીઓને વિકાસ ગૃહમાં અને કિશોરોને પ્રતાપપરા ચિલ્ડ્રન હોમમાં મુકવામાં આવ્યા હતા.

બીજી તરફ આસિ. લેબર કમિશનર જે.ડી. પટેલે ફરીયાદી બની રાજુલા પોલીસમાં કારખાનેદારની સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

અમરેલીમાં ચિલ્ડ્રન હોમ અને વિકાસ ગૃહમાં મુકાયેલા બારેય સગીરોના વાલીઓને અમરેલી બોલાવીને ચાઈલ્ડ વેલફેર સોસાયટીના ચેરમેન ડો. પિયુષ ગોસાઈની કમીટીએ સગીરોને ભણાવવા તથા બાળમજુરી ન કરાવવાની સમજ આપી તે ફરી મજુરી કરવા નહી મોકલે તેવી બાહેંધરી મેળવીને તેના વાલીઓને સોંપ્યા હતા.

(1:27 pm IST)