Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

'આશા' સાથે પરણ્યો...પણ તે ત્રણ મહિનામાં જ ભાગી જતાં 'નિરાશા'માં ગરક લાલજીએ ઝેર પીધું

ગોંડલના વેજાગામના વણકર યુવાનને રાજકોટ સારવારમાં: મહારાષ્ટ્રની યુવતિ સાથે ૮૦ હજારમાં લગ્ન કર્યા'તા

રાજકોટ તા. ૨૯: લગ્નના બહાને લગ્નવાંચ્છુઓ સાથે છેતરપીંડીના કિસ્સા અવાર-નવાર બનતા રહે છે. વધુ એક આવા કિસ્સામાં ગોંડલના વેજાગામના વણકર યુવાન સાથે લગ્ન કરનાર મુળ મહારાષ્ટ્રની યુવતિ ત્રણ જ મહિનામાં ઘરેથી છનનન થઇ જતાં આઘાતમાં આ યુવાન ઝેરી દવા પી જતાં ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

વેજાગામ રહેતાં લાલજી માધાભાઇ મહિડા (ઉ.૩૦) નામના વણકર યુવાને સાંજે પાંચેક વાગ્યે કપાસમાં છાંટવાની દવા પી લેતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ દાખલ કરાયો છે. લાલજી એક બહેનથી નાનો છે અને ખેત મજૂરી કરે છે. તેના પરિવારજનોના કહેવા મુજબ લાલજીના લગ્ન પૈસા લઇને પરપ્રાંતિય કન્યાઓ સાથે લગ્ન કરાવી આપતાં એક વ્યકિત મારફત રૃા. ૮૦ હજારમાં મહારાષ્ટ્રની આશા નામની યુવતિ સાથે ત્રણેક મહિના પહેલા કરવામાં આવ્યા હતાં. પરંતુ થોડા દિવસ પહેલા આશા ઘરમાં કોઇને ખબર ન પડે એ રીતે નીકળી ગઇ હતી.

જતાં જતાં તે ઘરમાંથી ચાંદીના સાંકળા અને અમુક રોકડ પણ લઇ ગઇ હતી. આ કારણે લાલજી આઘાતમાં ગરક થઇ ગયો હતો અને શોધખોળ કરવા છતાં આશાને શોધવામાં નિરાશા સાંપડતાં તેણે આ પગલું ભરી લીધું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. લાલજી રાજકોટ સારવાર હેઠળ છે.

(11:46 am IST)