Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

જુનાગઢના પ્રભાતપુરમાં રહેણાંક મકાનના પ્રથમ માળે દિપડો ઘુસી ગયો

બે કલાકની જહેમત બાદ વન વિભાગે પાંજરે પુરી દીધો

જુનાગઢ : તસ્વીરમાં વન વિભાગની ટીમ પાંજરામાં કેદ દિપડા સાથે નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ર૯ :.. જૂનાગઢનાં પ્રભાતપુર ગામે રહેણાંક મકાનમાં ઘુસેલા દિપડાનું વન વિભાગ રાત્રે રેસ્કયુ કરીને બે કલાકની જહેમતનાં અંતે પાંજરે પુર્યો હતો.

જૂનાગઢ વન વિભાગની ડુંગર દક્ષિણ રેન્જનાં રામનાથ રાઉન્ડનાં હેઠળનાં પ્રભાતપુર ગામે રહેતાં બાવનજીભાઇ ભીખુભાઇ ઝાપડીયાનાં રહેણાંક મકાનનાં પ્રથમ માળે દિપડો ઘુસી ગયો હતો.

આ અંગેની જાણ થતાં ડીસીએફ ડો. એસ. કે. બેરવાલની સુચના અને આરએફઓ ભગીરથસિંહ ઝાલાનાં માર્ગદર્શન હેઠળ રામનાથ રાઉન્ડ ઇન્ચાર્જ જે. એ. મયાત્રા બીટગાર્ડ અને ટ્રેકર સાથેની ટીમ ઘટના સ્થળે રાત્રે જ દોડી ગઇ હતી.

લોકોની સલામતીને ધ્યાને લઇ વેટરનરી ડોકટર દ્વારા દીપડાને ટ્રાન્કવીલાઇઝ કરવાનો નિર્ણય લેવાયો હતો અને બે કલાકની જહેમત  બાદ દીપડાનું સફળતાપૂર્વક સલામત રીતે રેસ્કયુ કરી તેને પાંજરામાં કેદ કરવામાં આવ્યો હતો.

આમ વન વિભાગની ત્વરીત કાર્યવાહીથી દીપડોનું રેસ્કયુ થતાં ગ્રામજનોએ નિરાંતનો દમ લીધો હતો.

(11:31 am IST)