Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ગોંડલના શિવરાજગઢની

મહિલા ભારતીબેન વઘાસીયાએ પ્રાંત કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો : પતિએ છ માસ પૂર્વ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યા બાદ કોઇ પગલા ન લેવાતા આત્મવિલોપનની ચીમકી આપી'તી

તસ્વીરમાં આત્મવિલોપનનો પ્રયાસ કરનાર મહિલા સારવાર હેઠળ નજરે પડે છે.

ગોંડલ, તા. ર૯ : ગોંડલના સ્ટેશન  પ્લોટ ખાતે આવેલ પ્રાંત કચેરીએ સાંજના શિવરાજગઢની મહિલાએ ઝેરી દવા પી આત્મવિલોપનનો પ્રયાસ કરતાં સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે રહેતા ભારતીબેન દિલીપભાઈ વઘાસીયા દ્વારા તેઓના પતિ ને આત્મહત્યા કરવા મજબૂર કરનાર આરોપીઓ વિરુદ્ઘ નક્કર કાર્યવાહી કરવા માંગ સાથે વીસ દિવસ પહેલા આત્મવિલોપનની ચીમકી સાથેનો પત્ર કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ લખવામાં આવ્યો હતો પરંતુ તંત્ર દ્વારા આ પત્રને નજરઅંદાજ કરાયો હોય સાંજે ભારતીબેન વઘાસિયાએ પ્રાંત કચેરીએ ઝેરી દવા પી આત્મવિલોપનનો પ્રયાસ કરતા સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

ઘટના બાદ સરકારી દવાખાને પહોંચેલ ભારતીબેન ના કુટુંબીજન ગોવિંદભાઈ એ જણાવ્યું હતું કે ગત તારીખ ૧૨- ૯ -૨૦૧૮ ના દિલીપભાઈ વદ્યાસિયાએ વ્યાજખોરોના ત્રાસથી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધેલ હતી, આ દ્યટનાના ના જવાબદારો વગદારો હોય ફરિયાદ નોંધાયા બાદ પણ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ન ધરતા આત્મવિલોપનની ચીમકી આપી હતી.

ઘટના અંગે પ્રાંત કચેરીના નાયબ મામલતદાર વિપુલભાઇ રાજયગુરુ એ જણાવ્યું હતું કે ઉપરોકત મેટર પોલીસ લક્ષી હોય પોલીસ તંત્ર ને વાકેફ કરાયું હતું અને આત્મવિલોપન ની ચોક્કસ જગ્યા જાણવામાં આવી ન હતી પરંતુ પ્રાંત કચેરીમાં ભરતીબેને આત્મવિલોપન નો પ્રયાસ કરતા તંત્ર દ્વારા તુરંત સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

(3:17 pm IST)