Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

બાબરા નજીક કારની ઠોકરે બાઇકસવાર વૃઘ્ધનું કરૂણમોત :કારચાલક ફરાર સીસીટીવીમાં કેદ

અમરેલી : બાબરા નજીક કારની ઠોકરે બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ  કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જો કે એકઠા થયેલા લોકો દ્વારા પોલીસ અને 108 ને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી છે. ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

   સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બાબરા નજીક એક વૃદ્ધ બાઈક પર જઈ રહ્યા છે. અચાનક પાછળથી ફૂલ સ્પીડમાં આવતી કારે હડફેટે લેતા તેઓ રસ્તા પર પટકાય છે. અને કારનો ચાલક તેમને મદદ કરવાને બદલે ત્યાંથી નાસી છૂટે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ મૃતક વૃદ્ધ 60 વર્ષીય રણછોડભાઈ બચુભાઈ મગતરપરા હોવાનું અને તેઓ અમરાપર ગામના રહેવાસી હોવાનું તેમજ પશુઓ માટે ઘાસચારો લેવા જતા હોવાનું સામે આવ્યું છે.

જો કે કાર ચાલકની ઓળખ હજુ થઈ શકી નથી. પણ પોલીસે સીસીટીવીના આધારે તેની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે

  . બીજીતરફ પરિવારના મોભીનું અચાનક અકાળે મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. અને જલ્દીથી આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પરિવાર દ્વારા કરવામાં આવી છે.

(9:15 am IST)