Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ઉમિયાધામ- સિદસર દ્વારા રાહતનિધિ ફંડમાં ૧૧ લાખનું અનુદાનઃ તમામ સહયોગની ખાતરી

ટ્રસ્ટનું વિશાળ કેમ્પસ પણ આપવા તૈયારીઃ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મદદની ખાતરી

રાજકોટ,તા.૨૮: કડવા પાટીદારોના આસ્થાનું કેન્દ્ર ઉમિયા માતાજી મંદિર- સિદસર દ્વારા અનેક સામાજિક- સેવાકીય પ્રવૃતિ ચાલી રહી છે. પ્રવર્તમાન સમયે કોરોનાના લીધે ઉભી થયેલી પરિસ્થિતિમાં સરકારને મદદરૂપ થવા માટે ઉમિયાધામ- સિદસર દ્વારા મુખ્યમંત્રી રાહતનિધીમાં રૂ.૧૧લાખનું યોગદાન જાહેર કરવામાં આવ્યું છે.

દુનિયાભરમાં કોરોનાના લીધે ઉભી થયેલી પરિસ્થિતિ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા પ્રજાજનો માટે ઉતમ કામગીરી થઈ રહી છે. ત્યારે કોરોનાની આ પરિસ્થિતિમાં મદદરૂપ થવાના આશ્રય સાથે ઉમિયા માતાજી મંદિર- સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મોલેશભાઈ ઉકાણી અને મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાહતનિધિમાં રૂ.૧૧ લાખનો સહયોગ આપ્યો છે. તદ્ઉપરાંત આ પરિસ્થિતિમાં ઉમિયા માતાજી મંદિર- સિદસર ફુડપેકેટ, સહીતની અનેક પ્રવૃતિમાં સહયોગ આપવા તત્પર હોવાનું જણાવ્યું છે.

આ ઉપરાંત સિદસર ખાતે આવેલા ઉમિયા પરિવાર એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલીત વિજાપુર વિદ્યાલયના વિશાળ કેમ્પસનો જરૂર પડયે ઉપયોગ કરવા ટ્રસ્ટના પ્રમુખ ચીમનભાઈ શાપરીયાએ સરકારને જણાવ્યું છે. સૌરાષ્ટ્રના શહેર, તાલુકા અને ગ્રામ્ય સ્તરે ફેલાયેલા ઉમિયા પરિવાર સંગઠન સમિતિના સભ્યો કોરોનાની પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મદદરૂપ થવા તત્પર રહેશે. તેમ ઉમિયા માતાજી મંદિર- સિદસરના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલે યાદીમાં જણાવ્યું છે.

(3:38 pm IST)