Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

જેતપુરના જેતલસરના શાળા સંચાલક દ્વારા કવોરોન્ટાઇન માટે ર શાળા સંકુલો આપવા તૈયારી

જેતલસર, તા. ર૮ : રાજયમાં કોરોનાના કહર સામે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને કવોરોન્ટાઇન જાળવવા અનુરોધ કર્યો છે.

આ સમયે ભારતના નાગરિક તરીકે રાષ્ટ્રીય ફરજના ભાગરૂપે જેતલસર-જેતપુરના દિનેશ ભુવા અને તેની ટીમે જેતપુરથી ૪ કિ.મી. દૂર ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને જેતપુરથી પ કિ.મી. અંતરે પેઢલા મુકામે આવેલ એસપીવીએસ કેમ્પસની હોસ્ટેલ વિનામૂલ્યે કવોરોન્ટાઇન માટે આપવા તૈયારી બતાવી છે.

વેકેશન ખૂલતા એક સપ્તાહ પહેલા વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને લઇ બંને કેમ્પસની સરકાર દ્વારા જરૂરી રીતે સેનેટાઇઝ કરી આપવાની અપેક્ષાએ બંને શૈક્ષણિક સંકુલો સોંપવાની ઓફર કરેલ છે.

 

 

 

ગોંડલ પંથકમાં ખેત મજૂરી કામ કરતા એમપીના શ્રમિકોએ પગપાળા વતનની ચાલ પકડી

ગોંડલ,તા.૨૮: ગોંડલ શહેર પંથકની ખેતીલાયક જમીન ખેત ઉત્પાદન માટે સૌરાષ્ટ્રમાં મોખરે ગણાય છે ત્યારે આ વિસ્તારમાં ખેત મજુરી કામ કરી એમપીના શ્રમિકો પેટીયુ રડતા હોય છે પરંતુ કોરોનાવાયરસ ની બીક અને લોક ડાઉન ના કારણે આવા શ્રમિકોને વતન જવા માટે કોઈ વાહન વ્યવસ્થા ન હોય પગપાળા ગોંડલ બસ સ્ટેન્ડ એ પહોંચ્યા હતા પોલીસની સમજાવટ છતાં પણ પોતાના વતને જવાની જીદ પકડી હતી.

ગોંડલ તાલુકાના શિવરાજગઢ, મોવિયા, ઘોઘાવદર સહિતના વિસ્તારોમાંથી એમપીના શ્રમિકો ભૂખ્યા-તરસ્યા પગપાળા બસ સ્ટેન્ડે પહોંચ્યા હોવાની જાણ પાલિકાના સદસ્ય ઓમદેવસિંહ જાડેજા સહિત, ગૌસેવકો, સેવાભાવીઓ ને થતા ભૂખ્યાઓને ભોજન પીરસ્યું હતું અને ઓમદેવસિંહ જાડેજા દ્વારા પ્રાંત અધિકારી ને ફોન કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયું હતું બાદમાં સીટી પોલીસ ઇન્સ્પેકટર કે.એ.એન રામાનુજ સહિતનો પોલીસ કાફલો બસ સ્ટેન્ડ એ દોડી આવ્યો હતો શ્રમિકોને બે હાથ જોડીને હાલ તમે જયાં છો ત્યાજ વસવાટ કરવાનું સમજાવવામાં આવ્યું હતું પરંતુ શ્રમિકો એકના બે થયા ન હતા અને માથે માલસામાનના ટોપલા કમરમાં બાળકોને લઇ પગપાળા એમપી જવા નીકળી પડ્યા હતા. (તસ્વીરઃભાવેશ ભોજાણી.ગોંડલ)

(11:47 am IST)