Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

જુનાગઢ જિલ્લામાંથી ઝડપાયેલ દારૂની બોટલોનો રોડ રોલર ફેરવી નાશ કરાયો

પ્યાસીઓના ડમડમ બનવાના સપના રોળાઇ ગયા : સને ર૦૧૩ થી ર૦૧૯ સુધીના દારૂના જથ્થાનો કોર્ટના હુકમ બાદ નાશ કરાયો

જુનાગઢ, તા. ર૭:  જુનાગઢ જિલ્લા રેન્જ ડીઆઇજી મનીંદર પવાર તથા  જિલ્લા પોલીસ વડા સૌરભ સિંદ્ય દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ ડિવિઝન, બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે. કે. ઝાલા, એચ.આઇ. ભાટી, આર.બી. સોલંકી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.જી. બડવા દ્વારા નામદાર કોર્ટમાંથી વિદેશી દારૂના નાશ કરવા અંગેના હુકમો મેળવી, આશરે એક કરોડની કિંમતના વિદેશી દારુનો રોલર ફેરવી અને નાશ કરવામાં આવેલ હતો. વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહી હેડ કવાર્ટર ડીવાયએસપી આર.વી. ડામોર, એસડીએમ જે.એમ. રાવલ તથા નશાબંધી અધિક્ષકની હાજરીમાં કરવામાં આવેલ હતી.

વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહીમાં  એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કુલ ૪૭ ગુન્હાની વિદેશી દારૂની બોટલો નંગ ૯૬૯૪ કિંમત રૂ. ૩૧,૬૯,૮૮૨,  બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના કુલ ૧૧૦ ગુનાઓની વિદેશી દારૂની બોટલો નંગ ૬,૩૪૭ કિંમત રૂ. ૧૭,૪૩,૨૬૦  તથા સી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના કુલ ૭૮ ગુનાની બોટલો નંગ ૧૯૨૮૧ કિંમત રૂ. ૫૬,૦૦,૪૮૨ મળી કુલ બોટલો નંગ ૩૫૩૨૨ કિંમત રૂ. ૧,૦૫,૧૩,૬૨૪ ના મુદ્દામાલનું રોલર ફેરવી અને પાદરીયા ગામ પાસે આવેલ સરકારી ખરાબાની જમીનમાં નાર્શં કરવામાં આવેલ હતો.

નાશ કરવામાં આવેલ દારૂ સને ૨૦૧૩થી આજદિન સુધીમાં છેલ્લા પાંચ વર્ષમાં પકડાયેલ વિદેશી દારૂના ગુનાનો મુદ્દામાલ હતો.

(3:59 pm IST)